અખેગીતા/કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
←  કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા અખેગીતા
કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ
અખો
કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા →


રાગ ધન્યાશ્રી

એમ એ નાટક ચાલ્યું જાયજી,જેહના સ્વામી તમો પ્રભુ રાયજી

કૈવલ્ય ઈશ્વર ભૌતિક રાયજી, અણછતો ઉભો મધ્યે જીવ થાયજી
પૂર્વછાયા

અણછતો જીવ થાય ઉભો, તે જાય હરિને જાણવા;
નરને ઓઅછાયો કેમ કળે, તે હીંડે બુધ્યમાં૧ આણવા. ૧

જેમ છો તેમ તમે પ્રભુજી,કાયા માયાને રવેં આપ;
બિંબ-પ્રતિબિંબ થાયે દર્પણે, તેમ તમારો તે વ્યાપ૨. ૨

કૈવલ્યપદ તમે નિજ સ્વરૂપે, ઈશ્વરપદ છે અનંત;
મોટું સામર્થ્ય માયા-કેરૂં, જ્યાં ઉપજે મિથ્યા જંત. ૩

તે જંત બહુ કામના, રસના માટે જીવ;
દેહ-આસક્તિ તેને અતિઘણી જાણે આયુ વધે થૈયે શિવ. ૪

તે પિંડને બહુ પરભવે૩, અને કરે તે કર્મ ક્લેશ;
ચિરંજીવ થાવા હીંડે, મોટો મન ઉદ્દેશ. ૫

ભૂત ભવિષ્ય વાત લહેવા, ઘણું માન ને કોડ;
ઈશ થાવાને આશ મોહોટી, સાધે પિંડ મનમોહોડ. ૬

સિધ્ધિકાજે તે કરે, અતિ ઘણા ઉપાય;
અહંતા વાધે અતિ ઘણી, તેણે જીવજાડેરો થાય. ૭

માયા સાધે મનવડે, જાણે એજ પરમાત્મપદ.
મમતાતણાં તેણે પડલ ચડે, તેમ તેમ વાધે મદ. ૮

એહવા પ્રકાર અજાતપણા, સાધે જીવ અપાર;
નાટકમાં નર નાચ નાચે, એમ સરાહે સંસાર, ૯

કહે અખો પદ-મૂલગે, પહોંચે નહિ એ જંતને;

મર્મ મૂલગો તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ બુધ્ધિમાં. ૨ ફેલાવો. ૩ સાચવે. ૪ ક્લેશસંબંધી દુખ. ૫ અભિમાન ૬ હોંસ. ૭ મનને. ૮ રોકીને. ૯ મૂળરૂપ પદે.


(પૂર્ણ)