આજનો માંડવડો મારો
આજનો માંડવડો મારો નરસિંહ મહેતા |
આજનો માંડવડો મારો, મોગરડે છાંયો;
રાધાજીના સંગે વહાલો, રમવાને આયો. આજનો-ટેક
ગોફણીએ ઘુઘરડી ઘમકે, રેશમની દોરી;
શામળીઓ શામળો રંગે, રાધિકા ગોરી. આજનો.
દહીં દૂધ ને કરમલડો, માંહી સાકર ઘોળી;
માહારા વહાલાજી આરોગે, પીરસે ભમરભોળી. આજનો.
શોળે ને શણગાર સજ્યા સખી, ઓઢણ સાડી;
શ્રી વૃંદાવનમાં વિઠ્ઠલ સાથે, રમત માંડી. આજનો
અખંડ હેવાતણ મારે, એ વર રૂડો;
નરસૈયાના સ્વામીએ મુજને, પેહેરાવ્યો ચૂડો. આજનો.