ઉમિયા-ઇશની મુજને
નરસિંહ મહેતા


<poem>

ઉમિયા-ઇશની મુજને કિરપા હવી, જોજો ભાઇઓ ! મારું ભાગ્ય મોટું; કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ - શું ધ્યાન ચોંટ્યું.

હાથ સાહ્યો મારો પારવતી-પતે, મુક્તિપુરી મને સદ્ય દેખાડી; કનકની ભોમ, વિદ્રુમના થાંભલા, રત્નજડિત તાંહાં મોહોલ મેડી.

ધર્મસભામાં જહાં, ઉગ્રસેનજી તહાં, સંકરષણજી સંગ બેઠા; તાંહાં વાસુદેવ ને દેવકીનંદન, રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા.

અક્રૂર ઓધવ, વેદુર ને અરજુન, શીઘ્ર ઊભા થયા હરને જાણી; સોળ સહસ્ર શત આઠ પટરાણીઓ, મધ્ય આવ્યા, શૂલપાણિ.

ધાઈને જઈ મળ્યા, આસનેથી ચળ્યા, કર જોડીને કૃષ્ણે સન્માન દીધું; બેસો સિંહાસને, જોગીપતિ ! આસને, આજ કારજ મારું સકળ કીધું.

'ભક્ત-આધીન તમો છો સદા ત્રિકમા', પ્રસન્ન થઈને શિવ બોલ્યા વાણી; 'ભક્ત અમારો ભૂતલલોકથી આવિયો, કરો તેને કૃપા દીન જાણી'.

ભક્ત ઉપર હવે દૃષ્ટિ-કિરપા કરો, નરસૈંયાને નિજ દાસ થાપો; તે જ વેળા શ્રીહરિએ મુજને કરુણા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો. <poem>