કલાપીનો કેકારવ/ભોળાં પ્રેમી

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હૃદયક્મલની જૂઠી આશા કલાપીનો કેકારવ
ભોળાં પ્રેમી
કલાપી
પરિતાપ →


કમળ ભોળું, કુમુદ ભોળું, ભ્રમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

ભ્રમર ગુંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તેઓ તણાં નભમાં, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશીને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા, કુમુદ જેવું હૃદય મ્હારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાછું, પ્રેમી પહાડ પાણો છે!

ઇચ્છે દાસ થાવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડુ-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

૯-૧૧-૧૮૯૨