કલાપીનો કેકારવ/મધુકરની વિજ્ઞપ્તિ

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ફકીરી હાલ કલાપીનો કેકારવ
મધુકરની વિજ્ઞપ્તિ
કલાપી
હૃદયક્મલની જૂઠી આશા →


અરે રે! પુષ્પ! આ ભમરો મરે છે હો: મરે છે હો!
નમેરું થઈશ શું, વ્હાલા! હું ત્હારો છું: તું મારું થા!

તું બીડાતાં હું બીડાઉં: તું ખીલે, તો હું ગુંજું છું:
ન ભોગી પુષ્પ બીજાનો: હું ત્હારો છું: તું મ્હારું થા!

અરે! તું ભૃંગ બીજા જો ભ્રમણ કરતા ફૂલે ફૂલે:
કદી મ્હારી ન રીતિ એ: હું ત્હારો છું: તું મ્હારું થા!

કંટક કાપી નાખી દે: ભ્રમર છાતીથી ચાંપી લે:
તું શોભે સર્વદા હું થી હું ત્હારો છું: તું મ્હારું થા!

હું ત્હારો ને ન તું મ્હારું; ન રીતિ એ રતિની છે:
કદર તું પ્રેમીની કર તો હું ત્હારો છું: તું મ્હારું થા!

તપું છું હું: બળું છું હું ! મરું છું હું, અરે પ્યારા!
તું મકરંદ છાંટી લે: હું ત્હારો છું: તું મ્હારું થા!

આ તો સ્વપ્ન ટૂંકું છે: હું ગુંજી લઉં: તું ખીલી લે!
થશે પલમાં અરે! હા ! શું? હું ત્હારો છું: તું મ્હારું થા!

સુકોમલ તું ખરી જાશે: ભ્રમર ત્હારો મરી જાશે:
આખિરની ગતિ એ છે: હું ત્હારો છું: તું મ્હારું થા!

૨-૧૧-૯૨