જાગ કમળાપતિ
નરસિંહ મહેતા


<poem> જાગ કમળાપતિ હજી કાં સૂઈ રહ્યો ? રોજ રામ તણી આજ ભાવી ? વાર લાગે ઘણી, લાજ જાયે હણી, પછે શું કૃષ્ણજી કરશો આવી ? - જાગ. ૧

મેલ મમ નાથને ન ભર તું બાથને , કાં રે કમળા ? તુંને લાજ ના'વે ? દાસ-ઉપહાસ થશે લાજ તારી જશે, પછે તને વ્હાલાજી ! કોણ ધ્યાશે ? - જાગ. ૨

'ઉધડકી ઊઠિયા ? સેજથી શ્રીહરિ , ઊઠી કમળા રહ્યા હાથ જોડી; 'ઉધડકી ઊઠિયા ? ક્ણ બડભાગીઆ ? સાર પ્રભુ ! તેની કરોને દોડી - જાગ. ૩

નરસૈયો નાગર ભક્ત છે માહરો, પ્રાન થકી અધિક તે નિશ્ચે જાણો, જાઉં વેગે કરી, હૂંડી પાછી ફરી, લોક માંહે કરિં હું સમાણો.' - જાગ. ૪

વણિક થયો વિઠ્ઠલો, શેઠ થયો શામળો, વાણોતર આઠ લીધા છે સાથે, કુંડળ કરણ ને ચરઆ છે મોજડી, વીમ્ટી ને વેલિયા પહેર્યાં હાથે - જાગ. ૫

શામળું અંગે તે અતિઘણું ઓપતું, શોભતી લટકતી ચાલ ચાલે, તીરથ વાસિઓ મન માંહે સંકોચિયા, સંમુખ શેઠને રહ્યારે ભાળે - જાગ. ૬

'આ તો અપૂરવ પુરુષ દિસે ભલો નાણાવટી માંહે સાર અંકે, ક્યમ કરી પૂછીએ, વાતને જાતને ? આપણ કેમ બોલાય રંકે ? - જાગ. ૭

અંતરજામીએ જાણી છે વારતા, શ્રીમુખ બોલિયા મધુર વાણી, 'કોણ ભાઈઓ ! તમો, શેઠ શામળ અમો, અમ સરખું કાંઈકહેજો જાણી. - જાગ. ૮

ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા,ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા; નરસૈંયે નાગરેગઢ થકી મોકલ્યા, પત્ર હૂંડીનું લખાવી લાવ્યા. - જાગ. ૯