તું કિશા ઠાકુરા ?
નરસિંહ મહેતા


<poem> તું કિશા ઠાકુરા ? હું કિશા સેવકા? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે; મંડળિક હારને માટે મને બહુ દમે, છબિલા વિના દુઃખ કોને કહાયે ? - તું કિશા. ૧

કો'કહે લંPઅટી કો કહે લોભિયો, કો કહે તાલકૂટિયો તે ખોટો, સાર કર માહરી, દીન જાણી જરિ ! હાર આપો કહું નાથ મોટો- તું કિશા. ૨

બે પાસા સુંદરી, કાંઠે બાંહો ધરી, કેશવા ! કીર્તન એમ હોયે, અજ્ઞાન લોક તે અશુભ વાણી વદે, પૂર્ણ જે ભક્ત તે પ્રેમ જોયે - તું કિશા. ૩

જહીં મહાદેવજીએ પૂર્ણ કૃપા કરી, તહીંનો મેં લક્ષ્મીનાથ ગાયો, મામેરા વેળા લાજજાતી હૂતી, ગરૂડ મેલીને તું ચરણે ધાયો.- તું કિશા. ૪

મુંને વેવાઈએ અતિશય વગોવિયો, ઉષ્ણ જળ મૂકીને હાસ કીધું, દ્વાદ્રશ મેઘ ! તેં મોકલ્યા શ્રીહરિ ! આપણા દાસને માન લીધું.- તું કિશા. ૫

સોરઠ મંહે મુંને સહુએ સાચો કહ્યો, પુત્રીને મામેરું વારુ કીધું, નાગરી નાતમાં ઈંડું અડાવિયું નરસૈયાને અભેદાન દીધું. - તું કિશા. ૬