આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૧૬ નળાખ્યાન
કડવું ૧૭
પ્રેમાનંદ
કડવું ૧૮ →
રાગ:સારંગ.




આવી સુદેવે આપ્યો કાગળ, હૃદયા ચાંપી વાંચે નળ;
સ્વસ્ત શ્રી નૈષધપુર ગામ, પુણ્યવંત પુણ્યશ્લોક નામ.
છે કાલાવાલાની કંકોતરી, લખીતંગ દમયંતી કિંકરી;
આંહાં આવી ગયા ખગપત, કહે તે વારતા માનજો સત.
મેં તમને સમર્પ્યું ગાત્ર, આ સ્વયંવર તે નિમિત્ત માત્ર;
મીન નીરની કરજો પ્રીત, માહારા સરખું કરજો ચિત્ત.
વાંચ્યો કાગળ ને હરખ્યો નળ, તત્પર કીધું જાનનું દળ;
અતિ શીઘ્રે સાંચરે રાય, શુકને મળી સવચ્છી ગાય.
કોરંગ કોરંગની સાથ, સાહામાં ઉતર્‌યાં દક્ષિણ હાથ;
હંસ ભણે ભલાં શૂકન, તું દમયંતી પામે રાજન.
વિદર્ભ જઈને સિધ કીજીએ, મને આજ્ઞા હવે દીજીએ;
વળિ કો સમે આવિશ રાજન, તું છે મારો પ્રાણજીવન.
ભાઈ તુજને કહું વીનતી, દ્યૂત ના રમશો નૈષધપતી;
નવ કરશો સ્ત્રીનો વિશ્વાસ, એ બે થકી થાય વિનાશ.
ચાલ્યો ખગપતિ વીનતી કરી, નળ રાજાએ આંખડી ભરી;
હંસ કહે સાંભળ રાજન, એમ કરિયે ન કાચું મન.
માત પિતા સુત બાંધવ જેહ, સર્વે વેર સંબંધે મળ્યું તેહ;
તારે કાજે મેં રાજા એહ, ખગપતિનો ધાર્યો દેહ.
હું છું બ્રાહ્મણ ને તું છે ભીલરાય, પૂર્વ જન્મની કહું કથાય;
મારા ઘરમાં હું દુઃખિયો થયો, કાશિ કરવત મૂકાવા ગયો.
એવો સમો મનમાં ધરી, ચાલ્યો વનમાં સમર્યા હરી;
અઘોર વનમાં ભૂલો પડ્યો, તારે સ્થાનક આવી ચડ્યો.
તેવા માંહે રજની થઈ, દ્વાદશ કોશમાં વસ્તી નહીં;
તેવા વનમાંહિ રહેતો તુંય, ત્યાં આવીને ચડિયો હુંય.
તારે સ્થાનકે આવી રહ્યો, ત્યાં તું પણ ચિંતાતૂર થયો;
મારી આગતા સ્વાગતા કરી, પણ સૂવાની ચિંતા ધરી.
નહાનિ હતી ગુફા છેક, આવ્ય્ં માણસ માય ન એક;
તારી સાધ્વી નારી સુજાણ, મારું આસન કર્યું નિર્વાણ.
તું તો વીરા બાહર રહિયો, રાક્ષસે આવી તને મારિયો;
માંસ ચરણ હસ્ત હેઠે રહ્યું, નવ જાણું તેનું શું થયું.
તારી સ્ત્રીએ તજ્યો ત્યાં પ્રાણ, કાષ્ટ ભક્ષ કરી નિવારણ;
મરતાં એવું બોલી સતી, એ જ વર દેજો કમળાપતિ.
એવું જ્યારે સ્ત્રી બોલી વચન, ત્યારે મેં વિચાર્ય્ં મન;
શું જીવું હત્યા લઈ કરી, એને તું મેળવજે હરી.
એવું કહીને હું તે વાર, પડ્યો બળતા અજ્ઞિમોજાર;
તે માટે પંખી અવતાર, લીધો નૈષધમાં આ વાર,
એવો બોલ ખગપતિયે કહ્યો, શીર નામીને ઉભો રહ્યો;
આજ્ઞા આપો તો તત્પર થાઉં, અમો અમારે સ્થાનક જાઉં.
એવી વિનંતી હંસે કરી, નળરાયે આંખડિ ભરી;
એ શું બોલ્યો મારા વીર, તારા વિના ધરું કેમ ધીર.
આપ્યું તેં મને પ્રાણનું દાન, તું છે મારા બંધુ સમાન;
હંસ કહે તેં ખરું કહ્યું વીર, પણ સાંભળ પરમ સુધીર.
તારું ઋણ છુટ્યો હું ભ્રાત, હવે રહેવાની કરિશ ન વાત;
એમ કહિને ઉડ્યો આકાશ, ત્યારે નળે મૂક્યો નિઃશ્વાસ.
નળ પોહોતો વિદ્રભ દેશ, તાંહાં મળ્યા મોટા નરેશ;
ચોહોફેર સબીરનાં ધામ, વસ્યા રાજા તેટલાં ગામ.
સાગરમાં નાવ હોયે જેમ, ભીમકનું નજ્ઞ દીસે તેમ;
ગજદળ હયદળ ને માનવ, તેણે અંન થયું મોઘું સરવ.
રસકસ સાહામું નવ જોવાય, તૃણ જળ ટાંકે તોળાય;
રંક લોકની ચાલે અરજના, માંગ્યાં મૂલ આપે ગરજના.
ભીમક લે સર્વનો તપાસ, જે જોઈએ તે ફેરવે દાસ;
નગર ભરાયું ખચખચી, રાયે મંડપ રચના રચી.
હીંડોળા બાંધ્યા ધારણે, કદળીસ્તંભ રોપ્યા બારણે;
ચિત્રામણ ચિતરિયાં ભીત, નાના પ્રકારની કરી રીત.
મંડપ લીપ્યો કનકની ગાર, સાહામાં સાહામી આસનની હાર;
જેહેને જાંહાં બેઠાનો ઠામ, તાહાં રાજાનાં લખિયાં નામ.
એ કથા એટલેથી રહી, એક નવીન વારતા થઈ;
નારદને કલહની ટેવ, ગયા સ્વર્ગ જાંહાં બેઠા દેવ.
પૂજ્યા અર્ચ્યા પ્રીત અપાર, તવ ઈન્દ્ર પૂછે સમાચાર;
કહો ઋષિ પૃથ્વીની પેર, કો પુરુષ ન આવે અમારે ઘેર.
પૃથ્વીમાં પડતી સાધુની કાયે, તે આવતા સ્વર્ગ માંહે;
અમરાવતીનો સુનો ઘાટ, જમપુરની વેહે છે વાટ.
જમપુર ભરાઈ વસ્યું, આહાં કો નાવે તે કારણ કશું;
કહે નારદ સંભળીએ સત્ય, હવડાં મનુષ જાયે અવગત્ય.
દમયંતી દમયંતી કરતા મરે, તે સર્વ જમપુરી સાંચરે;
ત્યાં સ્વયંવર મંડાયો આજ, મળ્યા છે પૃથ્વીના રાજ.
શું અપ્સરાનાં વોહો છો વના, દમયંતીની દાસી દેવાંગના;
વિદર્ભ દેશ ને કુંદનપુર, જાઓ જોવા શું બેઠા સૂર;
કઈ નારદ થયા અંતરધાન, છાના દેવ થયા સાવધાન.
સંભારી રુપ મનમાં ફૂલતા, ચાર દેવને લાગી લૂલતા;
ઈંદ્ર અજ્ઞિ વરુણ ને જમ, ઉઠી ચાલ્યા જ્યમ ત્યમ.

વલણ

જ્યમ ત્યમ ચાલ્યા દેવતા, ધરી જુજવાં રૂપરે;
વિદર્ભ ગયા મનભંગ થયા, દેખી નળનું રૂપરે.

(પૂર્ણ)