નળાખ્યાન/કડવું ૧૯
← કડવું ૧૮ | નળાખ્યાન કડવું ૧૯ પ્રેમાનંદ |
કડવું ૨૦ → |
દેવ કહે હો રાજા મિત્ર, પુણ્ય શ્લોક પરમ પવિત્ર;
કૃપા કરી કન્યા કને જાઓ, વેવિશાળિયા અમારા થાઓ.
મહિલાને મારો મોહનાં બાણ, ચારે ચતુરનાં કરજો વખાણ;
ભાગ્ય હોશે તેહેને વરશે, જેહેના કર્મનું પાંદડું ફરશે.
નળ કહે રક્ષક બળીયા હોય, મુને પેસવા નવ દે કોય;
દેવ કહે જાઓ જોગીને વેખે, દમયંતી વિના કો નવ દેખે.
ચારે કરે નળને અણસારા, બે ગુણ અદકા બોલજો મારા;
એવું સાંભળી ચાલ્યો નળરાય, ત્યારે દેવને વિમાસણ થાય.
રૂપવંત નળનેરે જોશે, ક્ન્યાનું સધે મન મોહોશે;
વાત કહે નહીં આપણી વરણી, વેવિસાળિયો બેસશે પરણી.
દૃષ્ટે દૃષ્ટ જ્યારે મળશે, ગુણ આપણા નવ સાંભળશે;
નળને લેવરાવ્યો જોગીનો વેષ, શીખવ્યું તેમ કરજો વિશેષ.
રૂપ પાલટીને નળ પળીયો, દેવે અનુચર એક મોકલીઓ;
દૂતને દેખે નહીં નળરાય, આગળ પાછળ બન્યો જાય.
પેઠા ઘરમાં પાધરા દોર, કો નવ દેખે દિવસના ચોર;
જ્યાં દમયંતીનું અંતઃપૂર, ત્યાં આવ્યો નળ રાય શૂર.
દીઠી દેવકન્યા જેવી દાસ, જે રમતી રાણીને પાસ;
કોઈ નાયકા તો ત્યાં નહાતી, કોઈ કન્યાના ગુણ ગાતી.
કોઈ શ્યામળી ને કોઈ ગોરી, કોઈ મુગ્ધા ને કોઈ છોરી;
કોઈ કામ કરતી હાલે માલે, કોઈ વસ્ત્ર બાંધે ઘડી વાળે.
રહે આપાઅપણે સાજે, હાર ગુંથતી કન્યા કાજે;
એમ જોયો હેઠલો માળ, પછે બીજે ચડ્યો ભૂપાળ.
ત્યાં દાસીનું જિથ જોયું, પછે ચડ્યો જ્યાં ત્રીભોયું;
વસે છે દમયંતી નારી, સહસ્ત્ર દાસી સેવા કરનારી.
કેટલી ગાન કરે સ્વર ઝીણા, કો નાચે વજાડે વીણા;
વાતે રીજવતી ચતુરસુજાણ, કેટલી કરતી કન્યાનું વિખાણ.
એકાંત ત્યાં છે ઓરદી, હીંડોળે હીર દોરડી;
હરિવદની બેઠી હીંચે, દાસી કેશમાં ધૂપેલ સીંચે.
કિંકરી પાસે માથું ગુંથાવે, કહે સેંથો રખે વાંકો આવે;
ભીંત માંહે જડીઆ ખાપ, વણ ધરે દીસે છે આપ.
આગળ દમયંતી પાછળ દાસી, સાહામાં પ્રતિબિંબ રહ્યાં પ્રકાશી;
મુખકમળ કન્યાનું ઝળકે, સામો ચંદ્ર બીજો જાણે ચળકે.
શોભે નારી જોબનધામ, મુખે નળરાજાનું નામ;
એવું ભૂપતિએ રૂપ જોયું, મોહબાણે મનડૂં પરોયૂં.
અંગરંગથી આડો આંક, મોહ્યા દેવતણો શો વાંક;
ચારમાં કોનું ભાયગ ભળશે, રત્ન આ કર કોને ચઢશે.
મુને પરણત મનની રુચે, અંત્રાઈ થયા દેવ આવી વચે;
ભલું ભાવી પદાર્થ થયો, નળે વિવેક મનમાં ગ્રહ્યો.
વલણ
ગ્રહ્યો વિવેક શોકને તજી, જ્ઞાન તે હૃદયે ધરેરે;
સત્ય પોતાનું પાળવા, દેવનું માગું કરેરે;
(પૂર્ણ)