આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું ૧ નળાખ્યાન
કડવું ૨
પ્રેમાનંદ
કડવું ૩ →
રાગ:ગોડી.



બૃહદૃશ્વજી મુખ વાણી વદે, રાય યુધિષ્ઠિર ધરતા હૃદે;
નૈષધ નામે દેશ વિશાળ, રાજ્ય કરે વીરસેન ભૂપાળ;
તેહને સુરસેન બાંધવા જંન,તે બેહુને અકેકો તંન;
તે રૂપે ફુટડા જેવા કામ, નળ પુષ્કર બંન્યોના નામ.
પછે નળને આપી રાજ્યાસંન, પિતા કાકો બંન્યો ગયા વંન;
ચલાવે રાજ્ય નળ મહામતિ, પુષ્કરને કીધો સેનાપતિ.
જિત્યા દેશ વધારી ખ્યાત, શત્રુ માત્ર પમાડ્યા શાંત;
ભૂપતી સર્વ નૈષધને ભજે, નળ પુષ્કરે કીધો દિગ્વિજે.
પ્રજા સૂએ ઉઘાડે બાર, ન કરે ચોરી ચોર ચખાર;
સત્યે યમપતિ કીધો સાધ, પુરમાંહે કોને નહીં વ્યાધ.
કનકે ભરીઆ છે કોઠાર, જેહેવાં ધન તેવા દાતાર,
જાચકના દારિદ્રય કાપીઆં, નળે મુખ માગ્યાં ધન આપીઆં.
ભિક્ષુક કહે ભલું નળનું રાજ, ગયું દુઃખ હોલાણી દાઝ;
કીર્તિ થઈ નળની વિસ્તીર્ણ, જેમ સૂરજનાં પ્રસરે કીર્ણ.
પુણ્યશ્લોક ધરાવ્યું નામ, વૈષ્ણવ કીધું બાધું ગામ;
ઘેર ઘેર હરિકીર્તન, એકાદશી વ્રત કરી હરિજન.
ચારે વરણ પામે નિજધર્મ, ધ્યાયે દેવ વ્યાપક પરિબ્રહ્મ;
નળે લીધો એટલો નેમ, માગ્યું દાન આપે કરી પ્રેમ.
જો આવે મસ્તક માગનાર, તો આપતાં ના લગાડે વાર;
ઉત્તર દક્ષિણ પૂરવ દશ, વીરસેન સુતનો ધ્યાયો યશ.
ત્યારે પુષ્કરને થઇ અદેખાઇ, મુજથકી વાધ્યો પિતરાઇ;
નળને નમે પ્રજા સ્મસ્ત, એ આગળ હું પામ્યો અસ્ત.
એહેવું જાણી મન આણી વૈરાગ્ય, ગયો વંન ઘર કીધું ત્યાગ;
નળનો વાળ્યો તે નવ વળ્યો, દારુણ વનમાં પોતે પળ્યો.
જઇને સેવ્યું પર્વત શૃંગ, તળે વહે છે નિર્મળ ગંગ;
શલ્યાનું કીધું આસન, પાંદડાંનું કીધું છત્ર રાજંન.
માનસી રાજ માંડ્યું વનતણું, કોકિલા ગાન કરે છે ઘણું;
આ મૃગ તે અશ્વ માહારે કારણે, દ્રુમ પ્રતિહાર ઉભા બારણે.
ભુંડુ હસ્તી પૃથ્વી પરજંગ, એ રાજ કેમે ન પામે ભંગ;
કો લુંટી લેવા આવી નવ ચડે, ઉઘાડે બાર ખાતર નવ પડે.
એણી પેરે માંડ્યું રાજ્યાસંન, અણચાલતે વશ કીધું મંન;
એ કથા એટલેથી રહી, નળ રાજા શું કરતો તહીં.
જ્યારે પુષ્કર ઉઠી વનમાં ગયો, ભાઇ વિના ભૂપ એકલો રહ્યો;
નિષ્કંટક રાજ્ય એકલો કરે, ધર્મ આણ રાજાની ફરે.
માગાં મોકલે દેશ દેશના ભૂપ, નળ જોવડાવે કન્યાનું રૂપ;
શરીર કુળમાંહે કહાડે ખોડ, કહે ના મળે કો મારી જોડ.
બત્રીસ હોય લક્ષણ સંપૂર્ણ, તેહેનું હું કરું પાણિગ્રહણ;
એમ કરતાં વહી ગયા દિન્ન, એવે આવ્યા નારદ મુંન.

વલણ

નારદ મુનિ પધારીઆ, સુણ યુધિષ્ઠિર ભૂપાળરે;
પછે વેણાપાણીએ કેમ મેળવ્યું, નળનું વેવીસાળરે.

-૦-