નળાખ્યાન/કડવું ૫
← કડવું ૪ | નળાખ્યાન કડવું ૫ પ્રેમાનંદ |
કડવું ૬ → |
દમયંતી છે દોષ રહીતા, તેના ગુણની ગાઊં ગીતા;
નારદજી વાયક એમ બોલે, નહિ ઉપમા તારુણીની તોલે.
દમયંતી છે દોષ રહીતા, તેના ગુણની ગાઊં ગીતા. ટેક.
જોઈ ભિમક સુતાની કટી, સિંહની જાત વનમાં ઘટી;
હંસને પણ થઈ ચટપટી, ચાલ્યગોરીની આગળ મટી. દમયંતી૦
રામા અંગની રોમાવાળી, વનસ્પતી દવે મરે છે બળી;
તેનાં વસ્ત્ર રહ્યાં જળહળી, દેખી આભામાં પેસે વીજળી. દમયંતી૦
પગપાનીથી હાર્યો અળતો, રહે અબળાને પાગે લળતો;
નેપુરનો નાદ સાંભળતો, રહે ગાંધર્વનો સાથે બળતો. દમયંતી૦
વરણથી ચંપક નવ ભજિયો, માટે મધુકરે તેને તજિયો;
એવું રૂપ બ્રહ્માએ સજિયું, બીજું કોઇ નથી નીપજિયું. દમયંતી૦
હવે શણગાર વખાણું સોળ, મંજન ચીર હાર તંબોળ;
ઉઠે સુગંધના કલ્લોલ, અઁગે અરગજાના રોળ. દમયંતી૦
શીશફૂલની રત્ન રાખડી, શોભે ભમર્માં ચુની જડી;
ગોફણો રહ્યો અગશું અડી, કટિમેખલાશું પડે વઢી. દમયંતી૦
ગળુબંધ કંઠે નવરંગ, મુક્તાહાર છે બે સંગ;
શકે ગિરિ કરીને ભંગ, સ્તના મધ્યે વહે છે ગગ. દમયંતી૦
વયે ઓઢણી રહિ છે ઉડી, ખળકે કંકણ ને કર ચુડી;
રૂપે રતિ તો સંભ્રમે બુડી, એવી કોઇ મળે નહિ રડી. દમયંતી૦
વાજે નેપુર કેરો ઝણકો, અંગુઠે અણવટનો ઠણકો;
અંગુલિયે વીછવાનો રણકો, બોલે મધુર ઝાંઝરિનો ઝણકો. દમયંતી૦
જેણે દમયંતી નવ જોઇ, તેને ઉમર એળે ખોઇ;
જાણે કાયા કનકની લોઇ, એવી જગમાં બીજી ન કોઇ. દમયંતી૦
જેમ નદીમાં ભાગીરથી, તેમ શ્યામામાં શ્રેષ્ઠ સર્વથી;
ત્રન લોકમાં જોડી નથી, જાણે સાગરથી કાઢી મથી. દમયંતી૦
ઇંદ્રાદિક પરણવા ફરે, મહીલા મનમાં નવ ધરે;
અશ્વિની કુમાર આગળ પળે, તે ન આવે આંખ્ય જ તલે. દમયંતી૦
જ્યારથી એ પુતળું અવતરિયું, નારી માત્રનું માન ઉતરિયું.
દમ્યું જગત સ્વરૂપ ઉદે કરિયું, માટે દમયંતી નામા ધરિયું. દમયંતી૦
જોગી થઇ તજ્યું હશે સર્વસ્ત, તીર્થા નાહ્યો હશે સમસ્ત;
ગાલ્યાં હશે હીમાળે અસ્ત, તે ગ્રસશે દમયંતીનો હસ્ત. દમયંતી૦
વખાણ સાંભલિને સબળ, રૂધિર અટવાયું પળ પળ;
નારદ પ્રત્યે બોલ્યો નળ, સ્વમી પરનવાની કહો કળ. દમયંતી૦
નારદ કહે મારું કહેણ ન લાગે, હું નવ જાઊં તારે માગે;
મને મોહના બાણ વાગે, બ્રહ્મચર્યવ્રત મારું ભાંગે. દમયંતી૦
એવું કહી પામ્યા અતરધાન, મોહ પામ્યો નલ રાજાન;
લાગ્યું દમયંતીનું ધ્યાન, કામજ્વર થયો વહ્નિ સમાન. દમયંતી૦
વૈદ મોટા મોટા આવે, વગડાની ઔષધિ લાવે;
તાપ કોઇયે ન શમાવે, મંત્રી કહે શું થાશે હાવે. દમયંતી૦
વલણ
હવે શું થાશે કહે મંત્રી, વિચારે છે મન રે;
નીલાં વસ્ત્ર પહેરી અશ્વે બેશી, નળ રાય ચાલ્યો વનરે. .
(પૂર્ણ)