આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૫૪ નળાખ્યાન
કડવું ૫૫
પ્રેમાનંદ
કડવું ૫૬ →
રાગ કેદારો.


ઋતુપર્ણ કહે છે વિપ્રને એ, શું કારણ સુદેવરે;
ભ્રાંત પડે છે મુજને, નથી સ્વયંવરનો અવેવરે.
મુનિ મુને મિથ્યા લાવિયો, કાંઇ દીસે છે કપટરે;
રિપુલોક હસાવીયા, ફેરો પડ્યો ફોગટરે.
વિવાહકર્મ નથી દીસતું, નથી રચ્યો માંડવરે;
દુંદુભિ શે નથી બોલતાં, નથી થતું તાંડવરે.
સુદેવ વળતો બોલીયો, છે છાનું વિવાહનું કર્મરે;
કંકોતરી કોને લખી નથી, નહીં ભાંજવો ભીમકને ભર્મરે.
ક્ષણુંએક રહીને આવજો, પુંઠેથી મહારાજરે;
આગળથી તે સાંચર્‍યો, વધામણી લેવા કાજરે.
વૈદરભી જુએ વાટડી, વિપ્ર આવ્યો ઘર માંયરે;
હરખે ભરી તવ સુંદરી,મુનિને લાગી પાયરે.
રુડી કહેજો વધામણી, શું પધારે પ્રાણનાથરે;
બાઇ રુડી પેરે નથી ઓળખ્યો, શત જોજન કીધો સાથરે.
છે રુપ તેહેનું બીહામણું, જાણે બીજો નળરે;
બાહુકને પરીક્ષાને તેડજો, એકાંત વાડી સ્થળરે.
દમયંતી હરખે ઘણું, જો આવ્યા ઋતુપર્ણરે;
નગરલોક હસે ઘણું,જોઈ સારથિકેરો વર્ણરે.
ભીમક રાય સામા ગયા, રથથી ઉતર્‍યા રાયરે;
ત્રણે રાજકુંવર આવી મળ્યા,ઉઠી સર્વ સભાયરે.
વલણ.
સભા સર્વ બેઠી થઇ, આસને બેઠો ભૂપ રે;
ભીમક આદે સર્વ કો, જુએ સારથિનું રુપ રે.

(પૂર્ણ)