નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ નરસિંહ મહેતા |
નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી... નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !
વિશેષ માહિતી
ફેરફાર કરોઆ રચના ગુજરાતી ચિત્રપટ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪)માં વપરાયું છે.