પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નરસિંહ મહેતા


પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધાવું રે,
તપ તીરથ વૈકુંઠ તજીને,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી

અંબરીષ મુજને અતિઘણા વ્હાલા,
દુર્વાસાએ મન ભંગ કીધા,
મેં મારું અભિમાન તજીને,
દશવાર અવતાર લીધો રે ... પ્રાણ થકી

ગજ તજી વહારે તમે પાદે ધાયા,
સેવકની સુધ લેવા,
ઊંચનીચ કુલ હું નવ જાણું,
મને ભજે સો મમ જેવા ... પ્રાણ થકી

મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે,
ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે,
તો ફિર ઉત્તર નવ સુઝે ... પ્રાણ થકી

બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં નાચું,
વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો,
માન નરસૈયા સાચું ... પ્રાણ થકી


નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)