ભક્તિ શૂરવીરની સાચી રે,

ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. (ટેક)

મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;
કામ-ક્રોધ-મદ-લોભ તણે જેણે ગળે દીધી ફાંસી રે.ભક્તિ0
.

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;
કાયર હતા તે કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી રે.ભક્તિ0
.

સાચા હતા તે સન્મુખ ચડ્યા ને, હરિસંગે રહ્યા રાચી;
પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્મ રહ્યા ભાસી રે.ભક્તિ0
.

કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,
અષ્ટ સિદ્ધિને ઈચ્છી નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે. ભક્તિ0
.

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;
ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે. ભક્તિ0