વાહાલાજી તમોરે નહાનડીઆ
વાહાલાજી તમોરે નહાનડીઆ નરસિંહ મહેતા |
વાહાલાજી તમોરે નહાનડીઆ, અમોરે નહાંનડલાં, સરખે સરખી જોડ મળી;
પેહેલું આલિંગન દો મારા વાહાલા, પછે અમો દેઈશું લળીઅલળી.
સુંદરીઓનો સ્વભાવ છે એવો, પીયુને મળવા હિંડે ઘણું;
આલિંગન એણીપેર દો મહારા વાહાલા, રખે હમ દેખે હક જણ.
તમે નહાના હું હજી નહાની, નણદી આઘાં પાછાં કરે;
સાસુને ઘેર એ લાડકડીરે, તે અમ વારી કેમ વરે.
શું કરે સાસુ શું કરે નણદી, જેહના હદેમાં હું રે વસ્યો;
નરસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભેય કશો.