વૈકુંઠ ઢૂંકડું રે
નરસિંહ મહેતા


વૈકુંઠ ઢૂંકડું રે મારા હરિજન હૃદે હજૂર. ટેક
દુરિજનિયાને દૂર દીસે છે, પ્રેમીજનને ઉર. વૈકુંઠ૦

કામ, ક્રોધ, મદ, લોભ, નિવારી, કાઢે પાપનું મૂળ,
પુણ્યપંથે પગ ધરે, દૂર કરી માયા મમતા શૂળ. વૈકુંઠ૦

રટે જિહ્‌વાએ નામ રામનું, ભૂખ્યાને દે અન્ન,
પરનારી માતા પેખે, પથ્થર લેખે પરધન. વૈકુંઠ

પીડે નહિ કદી પર આત્માને, મારે નિજનું મન,
ભણે નરસૈંયો પ્રિય કરી માને હરિ એવા હરિજન. વૈકુંઠ૦