શાં શાં રૂપ વખાણું, સંતો રે...

શાં શાં રૂપ વખાણું,, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદાને સૂરજ વિના, મારે વાયું છે વહાણું . --સંતો.

નેજા રોપ્યા નિકજ ધામમાં વાજાં અનહદ વાજે;
ત્યાંહરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.--સંતો.

નૂરતસૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝલમલ જ્યોતે અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું. --સંતો.

વિના રે વાદળ,વિના વીજળી, જળસાગર ભરિયું.
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચા^ચે મોતીડું ધરિયું. --સંતો.

માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાશે. --સંતો.

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમં ધૂન લાગી;
અખો આનન્દશું ત્યાં મળ્યો, ભવ ભ્રમણા ભાંગી. --સંતો.