શીખ કરી શંકરે
નરસિંહ મહેતા


<poem> શીખ કરી શંકરે, હરખી કહ્યુ શ્રીવરે; 'ભૂતળે જઈ ગુણ મારા ગાજે, ભૂતળે જન જે રસિક છે હરિ તણા, તે હને એ રસ તું રે પાજે - શીખ. ૧

માસ એક રાખીને વિદય કર્યોદાસને, આવીને ભાભીને લાગ્યો પાયે, શ્રી હરિ-હર હુંને જે મળ્યાં સાંભળો; 'માત - મારી! તે તારી કૃપાએ -શીખ. ૨

નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી, ગામ ગામે થકી. હરિજન આવતાં, દર્શન કરવાએ લ્હાર લાગી. - શીખ. ૩

ભાઈ ભોજાઈ અકળાઈને એમ કહે; ' હવે તમો અમ થકીદૂર રહીએ', મહેતાજી પછે તહાં કહે નિજનારને; 'નગર જૂનાગઢ માંહે જઈએ.' - શીખ.૪