અખેગીતા/કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
←  કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઈશ્વરનું સ્વરૂપ-સદ્દ્ષ્ટાંત અખેગીતા
કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ
અખો
કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ →


રાગ ધન્યાશ્રી

વળિ કહું પૂરણપદ નિર્વાણજી,
જ્યાંહાં ન પહોંચે મન ને વાણજી,
ત્યાંહાં નવ હોએ ઉત્પત્ય હાણજી

સ્વસ્વરૂપની જ્યાંહાં જે જાણજી. ૧
પૂર્વછાયા

સ્વસ્વરૂપની જાણ એહેવી, જ્યહાં જાણણહારો સ્વેં રહે;
અણછતું તે છતું થાયે, છતો બ્રહ્મ-અગ્નિ દહે. ૧

ભાઇ સિધ્ધાંતનું સિધ્ધાંત એહજ, મહાનુભાવની સ્થિતિ જ્યહાં;
આકાશથી આઘેરૂં જે પદ, તે કહ્યું ન જાએ પરૂં અહીં૮. ૨

વેત્તા વિણ વેદ્યા૧૦ વિના, પૂરણપદ નિર્વાણ૧૧
જેને ગ્રાહ્યગ્રાહકભાવ નહિ, જાણ્યવિહોણી૧૨ જાણ. ૩

તેને ઉપમા દીજે કશી૧૩, જો તેવડે સર્વ કોય;
જે કહીએ તે અણછતું૧૪, ભાઇ તે તો તેહ ન હોય. ૪

દૃષ્ટાંત ઉપમા જે જે દીજે, તે તો સર્વ રહે ઓહરૂ૧૫;
શું કરે એ બુધ્ધિ બાપડી, જો ચાલ્યાથી દસ ડગલાં પરૂં૧૬. ૫

જેમ આકાશમાં ઉડે વિહંગમ૧૭, એકથી એક આધા વટે૧૮;
બળ દેખાડે બહુ પરે૧૯, શિરે૨૦ સામર્થ્ય તે ઘટે. ૬

જેમ અગમ અગાધ અનંત અંબર૨૧, તેમ વસ્તુ અનંત અપાર;
તેને શ્યા સરીખો કહે કવિજન,કહેવું બુધ્ધિઅનુસાર. ૭

જેમ મૃતકની૨૨ ગત જાણે મૃતક, જે જન જીવિતિયો૨૩ ટળ્યો;
તેમ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે જ્ઞાતા, જે અંતરમાં પાછો વળ્યો. ૮

ભાઇસાને સમજે સંત શૂરા, પણ કર ગ્રહીને નથી આલવા;
એ તો પોતે હુંકારો દે પોતાને, તો જાય કેહને ઝાલવા. ૯

તો કહે અખો સહુકો સુણો, અકળ કળા મહંતને;

મરી જીવ્યાનો મર્મ લેવા, સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧નાશ. ૨ જ્ઞાન. ૩ પોતે. ૪ પ્રતિત થતો કલ્પિત પ્રપંચ. ૫ બ્રહ્મના જ્ઞાનરૂપ અગ્નિ . ૬ મોટા સામર્થ્યવાળાની - જ્ઞાનીની. ૭. દૂર. ૮ અહિં. ૯ જાણનાર.૧૦ જાણ્યા. ૧૧ માયાને માયાનાં કાર્યો જ્યાં શાંત થયાં છે એવું.૧૨ જાણ્યા વિનાની. ૧૩ કઇ. ૧૪ કલ્પિત. ૧૫ સમિપ. ૧૬ દૂર. ૧૭ પક્ષી. ૧૮ જાય. ૧૯ પ્રકારે. ૨૦ સરવાળે-પરિણામે ૨૧ આકાશ. ૨૨ મુએલાની. ૨૩ જીવવાથી.

(પૂર્ણ)