અખેગીતા/કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ
← કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ | અખેગીતા કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ અખો |
કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ → |
વળિ કહું એક અપૂર્વ સારજી, વણક્રમે૧ હોય પંથનો પારજી;
બોલણહારાનું બોલવું તે, જાણજો જુગતે કરી;
એમ સમજે સિધ્ધાંન્ત થાય, જો જુએ જન પાછો ફરી. ૧
ભાઇ પારાપરથી૨ શબ્દ ઉઠે, તે જુગતે જાડો થાય;
પાર છે પરમાત્મા તે, સ્વેં ચૈતન્યધનરાય૩. ૨
તે મનદ્વારાએ મહાતમ૪ ધરે, તે મનને ઉઠે કલ્પના;
કલ્પના કામના છે, તે કરે બહુ જલ્પના૫. ૩
પરાતીતથું૬ હોય પોષણ, તે શબ્દરૂપ પરા કરે;
તે પશ્યંતીએ થાય જાદો, અરૂપ ફીટી૭ રૂપ ધરે. ૪
મધ્યમાએ ઘાટ ઘડાએ, અને વૈખરી થઇ વીખરે;
સંસૃતિ વાધે શબ્દ કેરી, અનંત પ્રકારે ઓચરે. ૫
અક્ષર બાવમ અનંત રૂપે, વેદ પુરાણ સ્મૃતિ લખે;
મંત્ર યંત્રને ને વિદ્યા વૈદ્યા, કાંઇએ ન હોય વાણીખપે૮. ૬
ષટ દરશનના મત્ત નાના, એ સર્વે મનવાણીતણા;
પશુ પંખી નર નાગલગે, ભેદ સર્વ એહના ઘણા. ૭
પરાત્પર૯ તે પર રહ્યું, એ રમત્ય૧૦ વાણી મનતણી;
મધ્યે માની લીધું જીવડે, અણહુતો૧૧ થયો ધણી. ૮
મોટું સામર્થ્ય મહાપ્રભુનું, વણ ચલાવ્યું ચલે વલે;
જેન સૂર્ય વડે સર્વ કામ ચાલે, પણ કિરણ કેમાંહે૧૨ નવ ભલે. ૯
કહે અખો એ મર્મ મોટો, એમ સમજે અનંતને;
________________________________________
૧ ક્રમ વિના. ૨ પરાવાણીની પછવાડેથી. ૩ એકરસ ચૈતન્ય. ૪ મોટાઇ-સ્થૂળતા. ૫ બકવાદ. ૬ પરાને પારથી. ૭ ત્યજી દઇને. ૮ વાણીવિના. ૯ પરાથી પર. ૧૦ રચના. ૧૧ કલ્પિત. ૧૨ કોઇમાં.
(પૂર્ણ)