અખેગીતા/કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ અખેગીતા
કડવુ ૯ મું - વૈરાગ્યાર્તિ તીવ્રતાનું રૂપ
અખો
કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું માહાત્મ્ય →


રાગ ધન્યાશ્રી

નરને ઉપજે દૃઢ વૈરાગજી, આરત[૧] કેરી મનવિષે આગજી[૨];
તેહેના ટળે દ્વેષ ને રાગજી, નહી આતુરતા કહેવા લાગજી. ૧

પૂર્વછાયા

આતુરતા મન અતિઘણી, જેમ મીન વિછડ્યું નીરથી,
અજ્ઞાન શિંચાણો[૩] લેઇ ચઢ્યો, તેણે દૂર નાખ્યું તીરથી. ૧

તડફડે તલપે અતિઘણૂં, વિરહ-સૂરજ શિર તપે;
સંસારરુપી ભૂમિ તાતી[૪], નીર નીર અહોનિશ જપે. ૨

કાલશિંચાણો શિર ભમે, તે તેહની દૃષ્ટેં પડે;
નીર-વોહોણૂં વપુ દાઝે,ઝાળ લાગે ને તડઅડે. ૩

નયણેં તે નીર દેખે નહીં, કળકળે કાળજ[૫] બળે;
પેટ પૂંઠે પાસુ[૬] વાળે, જેમ પડે તેમ દાઝે જળેં. ૪

કામધેનુના પયવિષે[૭], જો કોઇ મૂકે તેહનેં;
તોયે આપદા નટલી મકરનેં[૮], વારી વહાલું જેહને. ૫

વૈરાગ ઘણ[૯] ઉપરનો શરીરે, તેણે કાલજ કોર્યું માંહેથી,
વ્રેહેતણો તાપ તપે તનમાં, તે નર જીવે ક્યાંહેથી ૬

નાનાવિધનાં ભક્ષ ભોજન, તેને દીઠાં નવ ગમે;
સંસારરૂપી ભૂખ ભાગી; ઉભા તાતાં તન ભમે. ૭

નિર્વેદ[૧૦] ઉપનો નરવિષે, તે જીવપણે જીવે નહીં;
તે મરી જીવે મનવડે, જેમ કીટ ભમરી હોયે સહી. ૮

જેમ ઉધઇ ખાતે કષ્ઠને, તેનું કૃષ્ણાગર[૧૧] થૈ પરવરે;
તેમ વિરહ વૈરાગ્ય જેહનેં ભખે, તે નર હરિ થાએ સરે. ૯

કહે અખો સહુકો સુણો, નિર્વેદ ટાળે જંતને;
જે નરને ઉપજે ચેતના[૧૨], તે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

નોંધ ફેરફાર કરો

  1. પરમાત્માની શીઘ્ર પ્રાપ્તિની ઇચ્છા
  2. અગ્નિ
  3. સકરો
  4. તપેલી
  5. કાળજું
  6. પડખું
  7. દૂધમાં
  8. માછલાને
  9. લાકડામાં થનારો કીડો.
  10. વૈરાગ્ય
  11. કાળો અગર
  12. સમજ