આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૪૨ નળાખ્યાન
કડવું ૪૩
પ્રેમાનંદ
કડવું ૪૫ →
મારુ.



ઈંદુમતી કહે બાઈ સાંભળ, લોકને કાં સંભળાવો;
કહે વૈદરભી વણ ચોરીએ, શા માટે અકળાવો.
હાથમાંથી હાર લઈને, ના કહે એમ ચાલે;
તસ્કર કરીને તો બાંધે, જો વસ્તુ હાથે ઝાલે.
મિથ્યા હું કહેતી નથી, કોણ માળા લે તુજ પાખે;
એવી ચોરટી હું હઉં તો, રાજમાતા કેમ રાખે.
માતા મારીએ માન દીધું, સતી સરખી જાણી;
અસાધવી મુને કેમ ઓળખી, શુંલેતાં ગ્રહ્યો છે પાણી.
અમે પરીક્ષા તારી કરી, જો ભરતારે પરહરી;
બાઇ હું મેણાં જોગ થઇ, તમારા ઘરની પેટભરી.
ચોરી કરવી આંખ ભરવી, એ તે ક્યાંનો ન્યાય;
એવે રાજમાતા પધાર્યાં, રોઇ બંને કન્યાય.
આપ આપણું દુઃખ કહે માતાને, નયણે ઢાળી આંસુ;
એક કહે મારો હાર લીધો, એક કહે ચોરી ફાંસુ.
ચતુર શિરોમણી રાજમાતા, અંતરમાં વિમાસે;
માળા ગઇ તે મોટું અચરજ, સતીને કેમ કહેવાશે.
હરિ હું ભરતારે છાંડી, હવે દુઃખ કહું કેને માંડી;
હરિ મેં કોણ પાતક કીધાં, હરિ મેં સાધુને મેણાં દીધાં.
હરિ મેં રાખ્યું હોય સત્ય, જો વાહલા હોય નળપત્ય;
મારા કોટિક છે અવગુણ, પણ તમો તો છો રે નિપુણ.
અપરાધ સર્વ વિસારી, ચઢો વિઠ્ઠલા વહારે મારી;
જો નહિ આવો જગદીશ, તો પ્રાણ મારો હું તજીશ.
એવું કહિને આંખે ભર્યું જળ, અમો અબળાતણું શું બળ;
એવું મનમાં ધરીયું ધ્યાન, સતીની વારે ચઢ્યા ભગવાન.
અંતરજામીએ બુધ દીધી, સતીએ આંખ રાતદી કીધી;
કહે માસીને કરી ક્રોધ, ફરી કરો હારની શોધ.
સાખી સૂરજ વિષ્ણુને વાય, જો મેં કીધો હોય અન્યાય;
બાઇ હાર તમારો જડજો, લેનારો ફાટીને પડજો.
એવું કહેતામાં કળીજુગ નાઠો, ત્યારે તડાક ટોડલો ફાટ્યો;
માંહે થકો પડ્યો નિસરી હાર, સતીને ત્રુઠ્યા વિશ્વાધાર.
અંત્રિક્ષથી અકસ્માત, વરસ્યો હાર તણો વરસાદ;
એક એકર્પે અદકાં મોતી, રાજમાતા ટગટગ જોતી.
પછે દમયંતીને પાગે, રાજમાતા ફરી ફરી લાગે;
બાઇ તું છે મોટી સાધ, મારો ક્ષમા કરો અપરાધ.
ઇંદુમતી થઇ ઓશીયાળી, મુખડું ન દેખાડે વાળી.

વલણ

વાળી મુખ દેખાડે નહીં, સત સતીનું રહ્યું રે;
બૃહદશ્વ કહે યુદિષ્ઠિરને, વૈદર્ભ દેશમાં શું થયુંરે.