નળાખ્યાન/કડવું ૪૫
← કડવું ૪૪ | નળાખ્યાન કડવું ૪૫ પ્રેમાનંદ |
કડવું ૪૬ → |
રાગ મારુ. |
હો હરિ સત્યતણા સંધાતી, હરિ હું કહીંએ નથી સમાતી;
હરિ મારે કોણ જન્મના કરતું, પ્રભુ ચોરીથકી શું નરતું.
હરિ હું શા માટે દુઃખ પામું, પ્રભુ જુઓ હું રાંકડી સામું;
હરિ તને ગ્રાહથી ગજ મૂકાવ્યો, તો હું ઉપર શો રોષ આવ્યો.
હરિ હું નથી દુઃખની ધીર, તમો છો વિપત સામેના વીર;
હરિ તમે અપરાધ ન લાવો, હરિ તમે અનાથ બંધુ કહાવો.
હરિ હું હરખે હણાઇ, હરિ હું ચોરટીમાં ગણાઇ;
હરિ હું કેની ને કોણતણી, હરિ જુઓ હું રાંકડી ભણી.
હરુ હું તારી સેવા ચૂકી, તો નળે વનમાં મૂકી;
હરિ મેં વિપ્ર ન પૂજ્યા હાથે, તેથી શું તરછોડી નાથે.
હરિ મેં શિવ ન પૂજ્યા જળે, તો શું રોતી મૂકી નળે;
હરિ દોહેલે ઉદર ભરવું, હરિ મુજને ઘટે છે મરવું.
હરિ હું ભરતારે છાંડી, હવે હું દુઃખ કહું કોને માંડી;
હરિ મેં કોણ પાતક કીધાં, હરિ મેં સાધુને મેણાં દીધાં.
હરિ મેં રાખ્યું હોય સત્ય, જો વહાલા હોય નળપત્ય;
મારા કોટિક છે અવગુણ, પણ તમો છો રે નિપુણ.
અપરાધ સર્વ વિસારી, ચઢો વિઠ્ઠલા વહારે મારી;
જો નહિ આવો જગદીશ, તો પ્રાણ મારો હું તજીશ.
એવું કહિને આંખે ભર્યું જળ, અમો અબળાતણું શું બળ;
એવું મનમાં ધરીયું ધ્યાન, સતીની વારે ચઢ્યા ભગવાન.
અંતરજામીએ બુધ દીધી, સતીએ આંખ રાતડી કીધી;
કહે માસીને કરી ક્રોધ, ફરી કરો હારની શોધ.
સાખી સૂરજ વિષ્ણુ ને વાય, જો મેં કીધો હોય અન્યાય;
બાઇ હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો.
એવું કહેતાંમાં કળીજુગ નાઠો, ત્યારે તડાક ટોડલો ફાટ્યો;
માહે થકો પડ્યો નિસરી હાર, સતીને ત્રુઠ્યા વિશ્વાધાર.
અંત્રિક્ષથી અકસ્માત, વરસ્યો હારતણો વરસાદ;
એક એકપેં અદકાં મોતી,રાજમાતા ટગ ટગ જોતી.
પછે દમયંતીને પાગે, રાજમાતા ફરી ફરી લાગે;
બાઇ તું છે મોટી સાધ, મારો ક્ષમા કરો અપરાધ.
ઇંદુમતી થઇ ઓશીયાળી, મુખડું ન દેખાડે વાળી.
વલણ.
વાળી મુખ દેખાડે નહી, સત સતીનું રહ્યું રે;
બૃહદશ્વ જહે યુધિષ્ઠિરને, વૈદર્ભ દેશમાં શું થયુંરે.
(પૂર્ણ)