નળાખ્યાન/કડવું ૫૨
← કડવું ૫૧ | નળાખ્યાન કડવું ૫૨ પ્રેમાનંદ |
કડવું ૫૩ → |
રાગ સોરઠી મારુ. |
આંસુ ભરીને કામની કરે, વાણીનો વિચાર, ગુરુજી;
એ નોહે બાહુકના બોલડા, હોયે વીરસેન કુમાર, ગુરુજી.
એ જીવન પ્રાણાધાર, ગુરુજી, જાઓ મા લગાડો વાર, ગુરુજી.
ભ્રાંત પડે છે રુપની, તે પ્રગટ્યાં મારાં પાપ, ગુરુજી.
રુપ ખોયું કહીં રાયજી, એ કોણે દીધો હશે શાપ, ગુરુજી.
મારા જાએ તનના તાપ, ગુરુજી, તમવડે થાય મેળાપ, ગુરુજી.
અશ્વરક્ષકનો નોહે આશરોરે, જાણે અંતરની વાત, ગુરુજી.
બોલેબોલ જ મારીઓરે, નોહે ઘોડારીઆની ઘાટ, ગુરુજી.
હું જાણું બોલ્યાની જાત, ગુરુજી, હોય પુષ્કરજીનો ભ્રાત,ગુરુજી.
પુનરપિ જાઓ તેડવારે, જીવન વસે છે જાંહે, ગુરુજી.
પરીક્ષા એ પુણ્યશ્લોકની, એકે દિવસે આવે આંહે, ગુરુજી.
જાઓ અયોધ્યામાંહે, ગુરુજી, હવે બેસી રહ્યા તે કાંહે, ગુરુજી.
જઇ કહો ઋતુપર્ણ રાયને, તજી વૈદર્ભી નળ મહારાજ, ગુરુજી.
સ્વયંવર ફરી માંડિયોરે, છે લગ્નનો દહાડો આજ, ગુરુજી.
એ વાતે નથી લાજ, ગુરુજી, જેમ તેમ કરવું રાજ, ગુરુજી.
કપટે લખી કંકોતરીરે, ઋતુપર્ણને નિમંત્રણ, ગુરુજી.
સુદેવ તેડી લાવજો, જોઇએ બાહુકીઆનાં આચરણ, ગુરુજી;
એનું કેવું છે અંતઃકર્ણ, ગુરુજી, એનાં જોઇએ વપુને વર્ણ, ગુરુજી.
વલણ.
આચરણ અશ્વપાલકતણાં, હ્યાં આવે ઓળખાયરે;
પત્ર લેઇ પરપંચનો સુદેવ, આવ્યો અયોધ્યા માંયરે.
(પૂર્ણ)