નળાખ્યાન/કડવું ૫૩
← કડવું ૫૨ | નળાખ્યાન કડવું ૫૩ પ્રેમાનંદ |
કડવું ૫૪ → |
રાગ સામેરી. |
સુદેવ સભામાં આવિયો જ્યાં, બેઠો છે ઋતુપર્ણ;
કરમાંહે આપી કંકોતરી, ઉપર લખ્યું નિમંત્રણ.
પ્રીત વિશેષે પત્ર લીધું, કીધું અવિલોકંન;
સ્વતિ શ્રી અયોધ્યાપુરી, ઋતુપર્ણ રાય પાવંન.
વિદર્ભ દેશથી લખીતંગ ભીમક, નળે દમયંતી પરહરી;
એને દેવનું વરદાન છે માટે, સ્વયંવર કીજે ફરી.
પૃથ્વીના ભૂપતી આવશે, તમો આવજો ખપ કરી;
સૂરજ બંશીને વરવો નિશ્ચે, કુંવરીએ ઇચ્છા ધરી.
ભૂપતિ આનંદે ભર્યો, સભામાંહે એમ ભાખે;
ભાઇ વેદવાણી દમયંતી, કોને નહીં વરે મુજ પાખે.
અધર ડસે કર ધસે, વિપ્ર ઉપર આંખ કહાડે;
નોહોતરીયો નિર્માલ્ય દીસે, આવ્યો લગ્નને દહાડે.
સુદેવ કહે હું ક્યમ કરું, વેગળું તમારું ગામ;
શત ઠામ થાતાં આવવું, કંકોતરીનું કામ.
ધાઇ હ=ગયા સર્વ ભૂપ જે, પ્રથમ રુપના પળકા;
ઋતુપર્ણ આસનથી ઉઠે બેસે, થાય પરણવાના સળકા.
આહા ગઇ દમયંતી હાથથી, કંકોતરી આવી મોડી;
એક નિશાનો આંતરો હોત તો, જાત જેમ જેમ દોડી.
ત્રાહે ત્રાહે બોલે મસ્તક ડોલે, નિસાસા મૂકે ઊંડા;
વૈદરભી વરતાં વેર વાળ્યું, અરે બ્રાહ્મણ ભૂંડા.
સાંઢ તો સાંપડી નહીં, નહી પવનવેગી ઘોડા;
કંસાર દમયંતી કરનો, નહીં જમે આ મોહોડાં.
સભામાં બેઠો નિરાશ થઇ, પ્રધાન બોલ્યો વચન;
પેલો બાહુકીઓ શે અર્થ આવશે, બેઠો વણસાડે અંન.
ઋતુપર્ણ આનંદ પામ્યો, મોકલ્યો સેવક;
લાવ તેડી બાહુકીઆને, જે જાણે ગયાની તક.
શ્વાસ ભરાયો દાસ આવ્યો, અશ્વપાલકની પાસ;
ઉઠો ભાઇ ભૂપ તેડે છે, ગ્રહો પરોણો રાસ.
બાહુક ચાલ્યો ચાબુક ઝાલ્યો, મુખે તે બડબડતો,
આવ્યો નીચી નાડે નરખતો, નાકે તે સરડકાં ભરતો.
સભા મધ્યે સર્વ હસ્યા, આ રત્ન રથખેડણ;
ઋતુપર્ણ બોલ્યો માન દેઇ, આવો દુઃખફેડણ.
ઘણે દિવસે કારજ પડ્યું છે, રાખો અમારી લાજ;
તમો પરણાવો વૈદરભીને, વિદ્રભા જાવું આજ.
સમુદ્ર સેવ્યો રત્ન આપે, મેં સેવ્યા એમ જાણી;
આજ વિદર્ભા લેઇ જાઓ, ગ્રહું દમયંતીનો પાણી.
બાહુક વળતો બોલિયો, ફૂલાવીને નાસા;
આ ભિયા પરણશે દમયંતીને, અરે પાપિણી આશા.
હંસ કન્યા કેમ કરે, વાયસસું સંકેત;
નિર્લજ્જની સાથે અમે આવું, તો પછે થાઉં ફજેત.
છછેરા ન થઇએ રાયજી, પરપત્નીસું તલખાં;
કેમ વરે વર જીવતે તો, મિથ્યા મારવાં વલખાં.
પુણ્યશ્લોકની પ્રેમદા ને, ભીમક રાજકુમારી;
તમો વિષયીને લજ્જા શાની, થાય ફજેતી મારી.
રાય કહે હયપતી, મારી વતી હયને હાંકો;
મારે તો સર્વસ્વ ગયુંરે, તમો જેવારે ના કોહો.
બાહુક વળતો બોલિયો, જ્યાં હોયે સ્વયંવર;
અંતર નહીં સેવકસ્વામીમાં, આપણ બન્યો વર.
હાસ્ય કરીને કહે રાય, વર તમો પરથમ;
ભાગ્ય ભડશે કન્યા જડશે, ત્યાં જઇએ જ્યમ તમ.
દુબળા ઘોડા ચાર જોડ્યા, રથ કર્યો સાવધાન;
શીઘ્રે ત્યાં શણગાર સજવા, સામ્ચર્યો રાજાન.
રાણી કહે ઋતુપર્ણબે, પરહરિ હું પ્રેમ;
ક્ષત્રી થઇને કરો ઘઘરણું, નવ હોયે અંતે ક્ષેમ.
પતિએતજી તે અણછતી, કાંઇએક ગોરી ગૂધ;
બાહુક વડે પરણવી રાય, થયું ઉજળું દૂધ.
સૂરજ વંશતણી એ શોભા, તમથી ઝાંખી હોય;
રીસ ચડી ઋતુપર્ણને, પછી ધણીઆણીને ધોય;
અમો ભ્રમર કોટી કુસુમ સેવું, તું શું ચલાવીશ ચાલ;
વીજળી સરખી લાવું વૈદરભી, કરું સોક્યનું સાલ.
એમ કહી સભામાં આવ્યો, દુદુભિ રહ્યાં છે ગાજી;
રીસ કરીને કહ્યું બાહુકને, કાં જોડ્યા દુર્બળ વાજી.
કરુણ લૂલા ને ચરણ રાંટા, બગાઇ બહુ ગણગણે;
અસ્થિ નીસર્યાં ત્વચા ગાઢી, ભયાનક હણહણે.
ચારે નોહે ચાલવાના, આગળ નીચા પાછળ ઊંચા;
ખુંધા ને ખોડે ભર્યા, બે કરડકણા બે બૂચા.
ઋતુપર્ણ જોઇ શીશ ધુણાવીને, બોલ્યો વળતી ખીજી;
એ જોડી શું કુરુપ લાવ્યા, જોડ ઘણી છે બીજી.
પવન વેગે પાણીપંથા, શત જોજન હીંડે ઠેઠ;
એવા ઘોડા મૂકીને કાં, જોડ્યા દૈવની વેઠ.
બાહુક કહે શું ચેષ્ટા માંડી, શું ઓળખો અશ્વની જાત;
જો પુષ્ટ હયને જોડશો તો, હું ન આવું સાથ.
એ અશ્વને રાખવો ને રથ હાંકવો, ચડી બેઠો ભૂપાળ;
રાસ પરોણો પછાડીઓ, બાહુકને ચડ્યો કાળ.
આટલીવાર લગે લજ્જા રાખી, બોલ્યો નહીં મા મૂચ;
તું આગળથી રથે કેમ બેઠો, હુંપે તું શું ઉંચ.
ઋતુપર્ણ હેઠો ઉતર્યો, વિધવિધ વિનય કરતો;
જાય રાય પાસે બાહુક નાસે, તે રથ પૂઠે ફરતો.
પ્રણિપ્રત્ય કીધું ઋતુપર્ણે, હયપતિ હઠ મૂકો;
ઉપકારી જન અપરાધ મારો, બેઠો તે હું ચૂકો.
બાહુક કહે યદ્યપિ રાસ ઝાલું,બેસીએ બન્યો જોડે;
તુંને હરખ પરણાતણો ત્યમ, હુએ ભર્યો છૌં કોડે.
સામસામા ચક્ર ધરીને, બંને સાથે ચઢયા,
ચેડી દીધી બાહુકે ત્યારે, અશ્વ ઢળીને પડ્યા.
મુગુટ કહી ગયો રાયજીનો, માન શુકન હુઆ;
બાહુકે અશ્વ ઉઠાડીયા, હાંકે ન કહે ધણી મુઆ.
અંન એવા અશ્વ નિર્બળ, ખાંચે ખીજી ખીજી;
રાય કહે લોક સાંભળે, એ વિના ગાળ દ્યો બીજી.
સુદેવ તાણી બેસાડીઓ, રાય કહાડે છે ડોળા;
શેરીએ શેરીએ જાન જોવા, ઉભાં લોકનાં ટોળાં.
દુર્બળ ઘોડા દરિદ્ર બ્રાહ્મણ, જોગ સારથિનો જોડો;
વૈદર્ભીને વરવા ચાલ્યા, ભલો ભજ્યો વરઘોડો.
હાંકે ને હીંડે પાછા પાછા, ઝુંસરી કહાડી નાંખે;
તાણી દોડે ઘરભણી, ઉભા રહે વણ રાખે.
પૃષ્ઠ ઉપર પડે પરોણા, કરડવા પાછા ફરે;
પોહોળે પગે રહે ઉભા, વારે વારે મળ મૂત્ર કરે.
રાય કહે હો હયપતિ, નથી વાત એકો સરવી;
બાહુક કહે ચિંતા ઘણી છે, મારે દમયંતી વરવી.
ઘણે દોહેલે ગામ મૂક્યું, રાયે નિસાસા મૂક્યા;
પૂણ્યશ્લોકે હેઠા ઉતરી, કાન અશ્વના ફૂંક્યા.
અશ્વમંત્ર ભણ્યો ભૂપતિએ, ઈંદ્રનું ધર્યું ધ્યાન;
અશ્વ ચારે ઉતપત્યા, ઉચ્ચૈઃશ્રવા સમાન.
અવનિએ અડકે નહીં, રથ અંતરિક્ષ જાય;
દોટ મૂકૉ બેઠો બાહુક, રખે પડતા રાય.
માંહોમાંહે વળગીને બેઠા, ભૂપ ને બ્રાહ્મણ;
રાય વિમાસે વરે કન્યા, વરુઆમાં વશીકર્ણ.
કામણગારો કાળિયો, એના ગુણ રસાળ;
ત્રણ કોડીનાં ટટુઆં, એણે કર્યો પંખાળ.
હસી રાજા બોલિયા, થાબડી બાહુકની ખંધ;
તારે પુણ્યે મારે થાશે, વૈદર્ભીસું સંબંધ.
વાજી વિદ્યા વાસવની, તુજ કને પરિપૂર્ણ;
નાની વાત નોહે ભાઇ, રહે વિદ્યાનું સ્મરણ.
ઐરાવત ને ઉચ્ચૈઃશ્રવા, હાર્યો ગરુડનો વેગ;
તારે હાંકવે હમણાં થઇશું, વિદર્ભ ભેગાભેગ.
વિખાણે પોતાનાં ભાગ્યને, ભૂપ કહાડે ઘેલાં;
જો દમયંતી મુજને વરે તો, બાહુક પૂજું પહેલાં.
ભીમકસુતાસું હસ્તમેળપક, જો થાશે હળપતિ;
બાહુક કેહ વિલંબ શો છે, પ્રબળ તારી રતિ.
વાટ ઓસરે વાત કરતાં, ઉડતા ચાલે અશ્વ;
રાય વિદ્યાને વખાણે,ન જાણે મનનું રહસ્ય.
તાણ્યા વગર ન રહે ત્રેહેક્ત, દે દોટ ઊપર દોટો;
એક ઝાંખરે વળગી રહ્યો, રાયની પામરીનો જોટો.
હાં હાં રાખ કહેતાં હય દોડ્યા, રથ ગયો જોજન;
બાહ્કે રથ રાખ્યો કહે, લઇ આવો રાજન.
રાય વળતો બોલિયો, શ્રમ મન વિચારી;
દમયંતીના નામ ઉપર, નાખી પામરી ઓવારી.
જા લાવ બાહુક તુંને આપી, પામરી બેહુ જોડ;
બાહુક કહે દમયંતી ઉપર, તું સરખા ઓવારું ક્રોડ.
રાય મોટા દાનેશ્વરી બોલ્યા, બાહુક જાચક તું થા;
પરણવા જાઉં દમયંતી, લેઉં તારી પામરીના ચુંથા.
એવું કહીને રથ ખેડીઓ ને, રાય મંન વિમાસે;
રંક હોય તો સદ્ય લાવે, મોટો કેમ વરાંસે.
હયપ્તિ તમમાં વિદ્યા મોટી, ગુણે વળિયો છેક;
તારે પ્રતાપે મુજ કને છે, અક્ષ વિદ્યા એક.
ગણિત શાસ્ત્રને હું જાણું છઉં,કહો તો દેખાડું કરી;
એક બેહેડાનું વૃક્ષ આવ્યું, બાહુક પડ્યો ઉતરી.
રાય પ્રત્યે કહેરે બાહુક, ગર્વ વચન શાં આવડાં;
બેહેડાંની જમણી ડાળે, કેટલાં છે પાંદડાં.
રાયે વિચારીને કહ્યું, સહસ્ત્ર ત્રણ ને શત ત્રણ;
બાહુકે જઇ વક્ષ છેદી, ડાળ પાડી ધરણ.
ગણી જોયાં બાહુકે, ઉતર્યાં તંતોતંત;
ઉત્કૃષ્ટ વિદ્યા દેખીને, હરખ્યું નળનું ચંત.
ફરી આવ્યો રથ પાસે, કહ્યું રાય તમો ધન્ય;
ભૂપ કહે જો મન મળે તો, વિદ્યા લીજે અન્યોન્ય.
માંહોમાંહે મંત્ર આપ્યા, મને મન ગયાં મળી;
પરીક્ષા કરવા વિદ્યાની, નળે ડાળ છેદી વળી.
કલ્પ્યાં તેટલાં પત્ર ઉતર્યાં, ગણિત સંખ્યા મળી;
બીજી વિદ્યાને પ્રતાપે, દેહમાંથી નિસર્યો કળી.
પાડાનું ચર્મ પહેરીયું, ઉંટ ચર્મનાં ઉપરણાં;
ટુંકડા ચરણ ને શ્યામ વરણ, કેશ છે પંચવરણા.
કરમાં કાતી આંખ રાતી, મુખે રુધિરના ઓઘરાળા;
ભર્યો રીસે સગડી શીશે, ઉડે અગ્નિની જ્વાળા,
નિસરી નાઠો ભયે ત્રાઠો, ઊઠ્યો નળ નરેશ;
લપડાક મારી સગડી પાડી, ગ્રહ્યા કળીના કેશ.
વીજળી સરખું ખડ્ગ કહાડ્યું, ન જાય જીવતો પાપી;
રાજભ્રષ્ટ કીધો દુઃખ દીધું, રહ્યો દેહમાં વ્યાપી.
રગદોળ્યો રેણુ માહે રોળ્યો, કેમ પડ્યો હુતો પૂઠે;
આંખ તરડે દાંત કરડે, મારે ખડ્ગની મૂંઠે.
ઉઠે અડવડે અવની પડે, અકળાવ્યો અલેખે;
બાહુકના હસ્ત કળીનાં અસ્થ, ઋતુપર્ણ નવ દેખે.
રુદન કરતો આંખ ભરતો, કળી પાગે લાગે;
પુણ્ય્શ્લોકજી ઉગારીએ, નવ મારીએ ઘણું વાગે.
અરે અધર્મનાં મૂળિયાં, તુને જીવતો કેમ મૂકું;
અમો ઘણું તેં રવડાવ્યા, નથી નેત્રનું જળ સૂક્યું.
અરે પાપી ધર્મછેદન, વિશ્વ વેદનાકારી;
વિજોગદાતા છેદન શાતા, તેં તજાવી નારી.
અવગુણ કહેવા કરાવી, સેવા પારકે મંદિર;
વદે દીન વાણી મરણ જાણી, નેત્રે ભરિયાં નીર.
મહારાજ વળતી મારજો, ગુણ અવગુણ બે જોઇ;
નળ કહે અવગુણ ભાજન તેં, સૃષ્ટિ સર્વ વગોઈ.
સ્વામી બે ગુણ મોટા મુજમાં, અવગુણના છેદન;
નળ કહે ગુણ અવગુણ તું, બેઉનું કર વર્ણન.
સ્વામી પ્રથમ અવગુણ વર્ણવું, મારું જે આચરણ;
જ્યાં ગયો ત્યાં ધર્મ નહીં, ને ભ્રષ્ટ ચારે વર્ણ.
દંભી લોભી ને લલૂતા, બ્રાહ્મણને કરું ભ્રષ્ટ;
અલ્પ આયુષ્ય ને અલ્પ વિદ્યા, અલ્પ મેઘની વૃષ્ટ.
અનાચાર ને અપરાધ બહુ, અનંત આભડછેટ;
સિધ્ધ હોય સંન્યાસી શીળિયો, ભ્રષ્ટ કરું હું નેટ.
મર્યાદા લાજને મૂકાવું, ઉન્માર્ગ મંડાવું;
જપ તપ તીરથ ને જાત્રા, દાન દયા છંડાવું.
ધ્વંસ કરું હું ધ્યાનમાં, તાપસને ડોલાવું;
અભક્ષાભક્ષ અસ્પર્શાસ્પર્શ, અસત્ય વાક્ય બોલાવું.
સ્વજન વૈર ને પરશું મૈત્રી, હોય નીચ સંગત્ય;
વૈષ્ણવતા ફેડી વિષય સ્થાપું, એવી મારી મત્ય.
માત પિતાને પુત્ર ઉવેખે, દેખે શ્યામામાં સાર;
ક્રીડા કામે આઠે જામે, સ્ત્રીમાં તદાકાર.
વિખવાદ કરતાં જન્મ જાય, ગાય ગોરીના ગુણગ્રામ;
લંપટ નિર્લજ થઇ અતિ,જપે નારીનું નામ.
હેલામાં બ્રહ્મચર્ય મુકાવું, જતિ પડે મોહમાંજ;
પાખંડી લાંઠ સુખે જીવે, એવું મારું રાજ.
હું વ્યાપું ત્યાં હરિ હર નહી, નહિ દેવસ્થળ;
જ્ઞાન ગોષ્ઠિ કથા નહીં,એવું મારું બળ.
સ્વામીદ્રોહી ને મિત્રદ્રોહી, ગુરુદ્રોહી નર ઘણા;
વચનદ્રોહી ને બ્રહ્મદ્રોહી, એ સઉ ગુણ આપણા.
પ્રજા ખોટી રાજા લોભી, નિરંકુશ લંપટ નાર;
વ્યભિચારિણી દ્રોહકારિણી, ભમતી હીંડે બહાર.
ભરથાર પહેલી કરે ભોજન, સૂએ સ્વામી પહેલી;
થાકે નહીં તે વાત કરતાં, વઢકણી મન મેલી.
ક્રોધમુખી ને ચોરટી, લોભણી ને લડતી;
સાચી વાત મળે નહીં ને, આઠે પહોર બબડતી.
થોડા બોલી સાઘુમુખી તે, સુતો સ્વામીને વેચે;
પૂછ્યો ઉત્તર આપે નહીં ને, બોલે પેચે પેચે.
અભડાવે રસોઈ અન્ન ચાખે, જણાય પરમ પવિત્ર;
કળિ કહે છે મારે પ્રતાપે, એવાં સ્ત્રીનાં ચરિત્ર.
પંડિત દુઃખિયા ને મૂર્ખ સુખિયા, ભોગી રોગે ભરિયા;
અસાધુ સુખે અન્ન પામે, સાધુ ઘડિયે નહિ ઠરિયા.
દાતા જ્યાં ત્યાં ધન નહીં, દાતાર નહીં ત્યાં નહીં ઘંન;
ખાનાર જ્યાં ત્યાં અન્ન નહીં, ખાનાર નહિં ત્યાં અન્ન.
રુપ હોય ત્યાં ગુણ નહિ, ને ગુણ ત્યાં નહીં રુપ;
શા શા અવગુણ વરણવું, છે પ્રતાપ તમારો અનૂપ.
શિષ્યની સેવા ગુરુ કરે, સાધુ અસાધુનું આચરણ;
સ્ત્રીની સેવા કરે સ્વામી, શુદ્રને સેવે બ્રાહ્મણ.
છળ છળભેદ અધિક અધિકારી, અઘટિત કરે અન્યાય;
અન્ન વિક્રય હય વિક્રય, કરે વિક્રય ગાય.
પરપતિસંગ ને પરનિંદા, ઇર્ષ્યા અપલક્ષંણ;
ઉપવીત અન્ન સીમંત અન્ન, ક્રિયા અન્ન ભક્ષણ.
કન્યા વિક્રય ભૂમિવિક્રય,કરે અકરાનું કામ;
શય્યા લે ને ગોદાન લે, ને બોળે બાપનું નામ.
વાટ પડાવે વિશ્વાસઘાતી, માંહોમાંહે વૈર સાંધે;
પંચ દેવનું પૂજન તજીને, અસુરને આરાધે.
વૈરાગી વિષયી ને જોગી તે ભોગી, ખોટા વણજ વેપારી;
વિષય સેવન કરે ને ગર્ભ ધરે, નવ વરસની નરી.
સુરભિ દૂધ થોડું કરે ને, દુકાળ ને દુર્ભક્ષ;
શોક રોગ વિજોગ ઘેરે ઘેર, સદા ભરે જળ ચક્ષ.
કોનું રુડું નવ દેખી શકું, મારે કો સાથે નહિ સ્નેહ;
કળિ કહે નળ રાયજી, છે અવગુણ મારા એહ.
વિશેષ કેશ આમળી ઝાલ્યો, ચડી રાયને રીસ;
હવે ન મૂકું અધર્મી, હું છેદું તારું શીશ.
અધર્મી અવનિ વિષે, આવડો તારો ઉન્માદ;
તારો વધ જાણી મને, સઉ દેશે આશીર્વાદ.
ભનએ ધરતો રુદન કરતો, રાયને કહે કળી;
પછે મુજને મારજો, બે ગુણ મારા સાંભળી.
કૃત ત્રેતા દ્વાપરે, શત વર્ષ તાપસ તાપે;
તોય તેને હરિ હર બ્રહ્મા, દર્શન કોય ન આપે.
કળી કહે મારા રાજ્યમાંહે, દ્યાન ધરે વિશ્વાસે;
તો તેને ઈષ્ટદેવતા તે, આવી મળે ખટ માસે.
એ ગુણ છે એક માહરો, હવે બિજો કહું વિસ્તારી;
શત વાર દાન કરે ત્રણ યુગે, એકવાર પામે ફરી.
ભાવે કભાવે મારા વારામાં, જે હેતે નર નાર;
પુણ્ય કરે જો એક વારે, તો પામે શત વાર.
નળ કહે જા નહિ હણું, ઉપજી મુજને માયા;
અનંત અવગુણ તાહરા તે, બે ગુણે ઢંકાયા.
મારા રાજ્યમાં તું નહીં, જો હોય જીવ્યાનું કામ;
કલિ કહે હું ક્યાં વસું, વસવાનો આપો ઠામ.
જ્યાં જાઉં ત્યાં નામ તમારું, તો ક્યાં રહું હું દાસ;
નળ કહે બેડાના દ્રુમમાંહે, સદા તારો વાસ.
જ્યાં કથા હોય મહારી, અથવા હરિકીર્તન;
એવે સ્થાનક તું નહીં, તેનું લીધું વચન.
રાય બેઠો રથ ઉપર, ઋતુપર્ણ સમજ્યો નહિ;
હર્ષ પૂર્ણસું હય હાંક્યા, જાણે પ્રેમસરિતા વહી.
વલણ.
વહી ચાલ્યો પ્રેમરસ, રથ ગાજતો ગડગડાટરે;
કહે ભટ પ્રેમાનંદ નાથની, વૈદરભી જુએ વાટરે
(પૂર્ણ)