આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૫૬ નળાખ્યાન
કડવું ૫૭
પ્રેમાનંદ
કડવું ૫૮ →
રાગ નટની.


બાહુક મોકલ્યો વાડીમાંહે, રસોઇ સ્થળ એકાંત;
કહે વૈદરભી કીજે પરીક્ષા, પુણ્ય્શ્લોકની પડે ભ્રાંત.
ભીમક રાયે આજ્ઞા આપી, અશ્વનો લ્યો તપાસ;
ઋતુપર્ણ ઉતર્યા ભવ્ય ભુવને, કરે સેવા દાસ.
દમયંતીયે ભીમકને કહાવ્યું,આજ્ઞા તમારી લીજે;
બાહુકમાં છે ગુણ નળરાયના, અમે પરીક્ષા કીજે.
એકાંત વાડી દમયંતીની,કીધું રસોઇનું સ્થળ;
ઠાલો કુંભ આણીને મુક્યો, મુક્યાં કાષ્ઠ નહીં અનળ.
બીજાં પાત્ર મુક્યાં નાનાવિધ, મુક્યું નહીં મેક્ષણ;
માધવી કેશવી મુકી સેવાને, જાણે સર્વ લક્ષણ.
દમયંતી બેઠી ઝરુખે, અંતરપટ આડો બાંધી;
તેડી લાવો રુપાળાને, જુઓ કેમ જમે છે રાંધી.
દાસી એક તેડવાને આવી, ચાલો કંદર્પ ક્રોડ;
અમારી વાડીને શોભાવો, ચાલો ચંપક છોડ.
ઉઠ્યો નળ ચાલ્યો અંતઃપુરમાં, આનંદ અંતર ભણી;
સખી સાહેલી આશ્ચર્ય પામે, હસે તે સણગટ તાણી.
જુએ હેરીને દમયંતી, વિસ્મે થઇ મનમાંહે;
આ સ્વરુપની ન મળે જોડી, જોતાં ત્રણ ભુવનમાંહે.
શરીર દીસે દવનું દાધું, સ્કંધે જાડો પગ પાતળો;
ટુંકડા કર ને નસ નીસરી, મોટો પેટનો નળો.
કાંહાં નળ કાંહાં બાહુક, કાંહાં સુરજ રાહુ મડળ;
વાંકું મુખ ને મસ્તક મોટું, પાધડી ઉડળ ગુંડળ.
એ સાથે શી ગોઠડી, ઋતુપર્ણને ભાવેટ લાગી ભવની;
હીંડતાં પગને સ્પર્શે કરીને, કાળી થાય છે અવની.
પણ એહેને વિદ્યા હય હાંક્યાની, આશ્ચર્ય સરખું દીસે;
કતરાતો આવે નાક ફુલાવે, ભ્રુકુટી ભરી છે રીસે.
દમયંતી પાસે હસતી હસતી, ભાભી આવી ત્રણ;
બાઇ આ પુતળું ક્યમ પધરાવ્યું,વારુ રુપને વર્ણ.
કદાચિત નળજી નીવડશે, ને રહેશે એહેવું અંગ;
કોહો બાઇ તમો એ પુરુષનો, કહી પેરે કરશો સંગ.
શાપ હશે કોઇ તાપસનો, ન જાશે કોઇ ઉપાંગે;
આ ભીયા આસન બેસશે તમો, કેમ રહેશો વામાંગે.
જાંહાં હશે તાંહાંથી કાલ આવશે, બાઇ તમારો સ્વામી;
એમ વલખાં શું મારો છો, કાંઇ ધીરજ ધરો ગજગામી.
વૈદરભી કહે કૌતુક મુકો, બેશી કરો પરીક્ષા;
જાઓ સેવા કરો બાહુકની, દાસીને દીધી શિક્ષા.
કેશવી માધવી બંને આવી, બાહુકજીની પાસ;
હૃદે ભરાયું નળરાજાનું, ઓળખી બંનો દાસ.
સુકાં વૃક્ષને સ્પર્શ કર્યો તે, તે થયું નવપલ્લવ;
દાસી તવ આનંદ પામી, હોય વૈદરભીનો વલ્લભ.
કહે સહીયારી હો આચારી, મન ન આણશો ધોકો;
દ્રુમ તળે સ્થળ પવિત્ર કીધું, અમો દીધો છે ચોકો.
નહાવાનું તાંહાં વસ્ત્ર પહેરે, પાઘડી પછેડી વરજે;
જંઘાયે ગુંછળાં કેશતણાં ને, શરીર ભર્યું છે ખરજે.
નિચું ઉંચું ભાળે શરીર ખંજવાળે, દાસીયે અવિલોકન કીધો;
રાંટે પાયે હીંડે બડબડતો, ઠાલો કુંભ જઇ લીધો.
વરુણમંત્ર ભણ્યો નળરાયે, તત્ક્ષણ કુંભ ભરાયો;
વીસ ઘડા રેડ્યા શીર ઉપર, ઉભો રહીને નાહાયો.
દાસી અતિ આનંદ પામી, કૌતુક દીઠું વળતું;
ચુહુલા મધ્યે કાષ્ઠ મુક્યાં, અગ્નિવિણ થયું બળતું.
ઉભરાતું અંન કરે હલાવે, કડછીનું નહિ કામ;
દાસી ગઇ દમયંતી પાસે, બોલી કરી પ્રણામ.
વાજી વૃક્ષ ને જળ અનળ, એ ચાર પરીક્ષા મળી;
અંનલાવો અભડાવી એહેનું, વૈદરભી, કહે જાઓ વળી.
રમતી રમતી નેહે નમતી, નિરખતી નિજ ગાત્ર;
એકે બાહુક વાતે વળગાડ્યો, એક લેઇ નાઠી અંનપાત્ર.
અરે પાપિણી કહી બાહુક ઉઠ્યો, દાસીયે મુકી દોટ,
માધવી કહે ફરી કરો રસોઇ, હું દેઇ આપું અબોટ.
ફરી પાક નીપાવ્યો નળરાય, બેઠો કરવા ભોજન;
પછે દમયંતીએ જોયું ચાખી, અણાવ્યું જે અંન.
સ્વાદ ઓળખ્યો એ નળ નિશ્ચે, પાક પરમ રસાળ;
કિંકરી ફરીને મોકલી ત્યારે, સાથે બંને બાળ.
વલણ.
સાથે બંને બાળને, નળ કને આવી કિંકરી;
બાહુકે દીઠાં બાડુઆં તાહારે, આંખડી જળે ભરીરે.

(પૂર્ણ)