આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૫૭ નળાખ્યાન
કડવું ૫૮
પ્રેમાનંદ
કડવું ૫૯ →
રાગ રામગ્રી..


બાહુકે દીઠાં બાડુઆં, ઉલટ્યું અંતઃકર્ણ;
દામણાં માહારાં બાળકાંને, દેખુંને આવે મર્ણ. બાહુકેo
કળજુગે કલ્પાંતજ કીધું,બાળક વરત્યાં મોસાળ;
કોણ કૃત્ય મેં આચર્યાં, તજી અબળા અંતરિયાળ. બાહુકેo
સજોગ સાગર ઉલટ્યો, નયણાં શ્રવણ સમાન;
આલિંગન દેવા કારણે, સુતને કીધી સાન. બાહુકેo
મળવાને તેડ્યાં મીઠડાં, કર લાંબા કીધા ધીશ;
છળ્યાં બીનાં બાળકાં તે, પાડે ચીસે ચીસ. બાહુકેo
બાહુક કહે બાળકને મુને, સાંઇ દેવાનો સ્નેહ,
નારે ભાઇડાં ભેટતા થાયે, કાળી કુંવરની દેહ. બાહુકેo
છે છત્રપતિનાં છોકરાં, તુંને મળવાનું કેમ મન;
શે દુંખે થાય છે ગળગળો,રોતાં ફૂટશે લોચન. બાહુકેo
બાહુક વળતો બોલિયો મારે, એવાં બાળકની જોડ;
આ દેખીને તે સાંભર્યાં, થયું રમડવાનું કોડ. બાહુકેo
દાસીએ કહ્યું દમયંતીને, બોલ્યો બાહુક જે વાત;
બાઇ આશ્ચર્ય દીઠું અતિઘણું, કાળો કરે આંસુપાત. બાહુકેo
દમયંતીએ પૂછ્યું ભીમકને, નળની પડે છે ભ્રાંત;
આજ્ઞા હોય તો બાહુકને, પૂછું તેડી એકાંત. બાહુકેo
ભીમક કહે સતી સુતા, તુંને શું દેઉં શીક્ષા;
સુખે બોલાવો બાહુકિયાને, કરો નળની પરીક્ષા. બાહુકેo
વૈદરભી આવ્યાં અંતઃપુરમાં, જ્યાં પોતાની મેડી;
આજ્ઞા આપી દાસીને, લાવો બાહુકને તેડી. બાહુકેo
શીઘ્ર આવી સાહેલડી, અંતરમાંહિ ઉલ્લાસ;
ઉઠો બાહુકજી ઉતાવળા, દમયંતીની પાસ. બહુકેo
રાયજી વળતો બોલિયો, હું છું દીન કંગાલ;
વરુવા સાથે વૈદર્ભીને વાત કર્યાનું શું વહાલ. બાહુકેo
સોમવદની સુંદરી, સારંગનયના સુજાણ;
વાત કરતાં બ્રહ્મચર્ય ભાંગે, વાગે મોહનાં બાણ. બાહુકેo
પરઘરમાંહે અમો નવ પેસું, સ્ત્રીનાં ચંચળ મન;
સાધુ પુરુષને અદ્ય પાડે, આવીને દે આલિંગન. બાહુકેo
દાસીને તવ હાસ્ય આવ્યું, દૈવનાં કૌતુક જોય;
વિશ્વ મોહિની દમયંતી તે, આ ભિયાને ક્યમ નહિ મોહોયે. બાહુકેo
બોર ન ખાય કો કરતણાં, વિપરીત વપુનું વાન;
એવા ઉપર વળી કર્મ લડ્યાં, વળી રુપનું અભિમાન. બાહુકેo
બલાત્કારે તેડ્યો બાહુક, દાસી થઇ બાંહેધર;
નીચી નાડે નળ ચાલિયો, જ્યાં ગૃહિણીનું ઘર. બાહુકેo
જાતાં કહે છે કીકરીને, બ્રહ્મચર્યને છે ઘાત;
વૈદરભી વિકારે ભરી, મને વશ કરવાની વાત. બાહુકેo
માધવી કહે બોલ વિચારી, કોણ ભાંગે છે ધર્મ;
વૈદરભી તને ક્યમ નહિ વરે, કરે અગ્નિ કર્મ. બાહુકેo
નથી આશરો ગયા તણો, કહિ ભીડાવ્યાં કપાટ;
દાસીએ દેખાડી આંખડી, ત્યારે ચાલ્યો પાધરી વાટ. બાહુકેo
બાહુકને બારણે બેસાડ્યો, ઢાળિ રુપાનો બાજઠ;
દમયંતી ઉમરા ઉપર બેઠી, આડું ધરિ અંતરપટ. બાહુકેo
બાહુક ખુંખારે આળસમોડે, માંડ્યાં વિષયીનાં ચિહ્‍ન;
ચિત્ત મળ્યું ત્યાં ચક કશોરે, જો નથી ભિન્નાભિન્ન. બાહુકેo
વલણ.
જો નથી ભિન્નાભિન્ન તો, મધ્યે અંતરપટ કશું;
નહિ બોલો જો મન મૂકી, તો અમો ઉઠીને જશું.

(પૂર્ણ)