અખેગીતા/કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા
← કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો | અખેગીતા કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા અખો |
કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય → |
સંતનો અતિમોટો મહિમાયજી, સીજે૧ કારજ સ્ત્રતપસાયજી૨;
કારજ થાય ને ગહેન૩ પલાયે, જ્ઞાન યથાર્થ ઉપજે;
નિર્મલ નેત્ર તે કરે હરિજન, જો ભાવે સંતજનને ભજે. ૧
ભાઇ ભાવ ન ઉપજે જ્યાંહાં લગે, તૃષાવંતને૪ જેમ તોયનો૫;
ભાવવિના પુંથલી-તન૬-જેવો, કહાબે નહી તે કોયનો. ૨
ભાઇ રતિવિના૭ રામ નવ મળે, ખરી કીધા વિના ખેપ૮.
જેમ પિપાસા૯ જાયે પાન કીધે, શું હોય કીધે જળ-લેપ૧૦. ૩
ભાઇ આદરવિણ૧૧ આવે નહીં, સ્વેં૧૨ આત્માનું જ્ઞાન;
સંતને સેવી કામ સાધો, સુખે પામો નિજધામ૧૩. ૪
સંત-સંગ કીધાવિના, જેહવો વનનો હોય પશુ;
ઉપજે ખપે તે વનનો વનમાં, તેહને વસ્તીનું નહિ સુખ કશું. ૫
સંત-સંગે સર્વ સમજે, પશુ ટળી થાય પાત્ર;
સંત કૃપાદૃષ્ટિ કર તો, નવપલ્લવ થાય ગાત્ર. ૬
કામ ક્રોધ લોભ મોહ તાપે, બળી રહ્યું જે મન;
તે જીવને ટાઢો થવાને, સંત તે પરજન્ય૧૪. ૭
મમતા ઘાણીએ જોતર્યા, જીવ ચઢ્યા કાળને હાથ;
તેહને સંત કૃપાદૃષ્ટિ કરીને, કાપી મૂકે નાથ. ૮
જેમ કેસરીકેરા૧૫ ગંધથી, ભાઇ કરી૧૬ પલાયે કોડ૧૭;
તેમ સંતકેરા શબ્દ સુણતાં, બંધન જાય બહુ મોડ૧૮. ૯
કહે અખો એ ઠામ મહોટો, ઠરવાનો છે જંતને;
________________________________________
૧ સિધ્ધ થાય.૨ મહાત્માની કૃપાથી. ૩ ઘેન. ૪ તરસ્યાને. ૫ પાણીનો. ૬ વેશ્યાના છોકરા જેવો. ૭ પ્રીતિવિના. ૮ પ્રયત્ન. ૯ તરસ. ૧૦ પાણીને શરીરે ચોપડવું. ૧૧ સત્કાર વિના. ૧૨ પોતાના. ૧૩ પોતાનું સ્વરૂપ. ૧૪ વરસાદ. ૧૫ સિંહના. ૧૬ હાથી. ૧૭ કરોડ. ૧૮ નાશ પામીને
(પૂર્ણ)