સુદામા ચરિત
કડવું ૧
પ્રેમાનંદ
કડવું ૨ →



શ્રી ગુરુદેવ શ્રી ગણપતિ, સમરું અંબા સરસ્વતી
પ્રબળ મતિ વિમળ વાણી પામીએ એ...

રમા-રમણ હૃદયમાં રાખું, ભગવંત-લીલા ભાખું
ભક્તિ રસ ચાખું, જે ચાખ્યો શુક સ્વામીએ રે...

શુકસ્વામી કહે: સાંભળ રાજા પરીક્ષિત! પુણ્ય પવિત્ર
દશમસ્કંધાધ્યાય એંશીમેં કહું સુદામાચરિત્ર...

સંદીપનિ ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત
તેહને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત...

તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે...

સુદામો, શામળ, સંકર્ષણ અન્નભિક્ષા કરી લાવે
એકઠા બેસી અશન કરે તે ભૂધરને મન ભાવે...

સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય
એક સાથરે શયન જ કરતા હરિ, હળધર ને મુન્ય...

ચોસઠ દહાડે ચૌદ વિદ્યા શીખ્યા બન્યો ભાઈ
ગુરુસુત ગુરુ-દક્ષિણા માત્ર આપી વિઠ્ઠલ થયા વિદાય...

કૃષ્ણ સુદામો ભેટી રોયા, બોલ્યા વિશ્વાધાર
'મહાનુભાવ! ફરીને મળજો, માંગું છું એક વાર'...

ગદગદ કંઠે કહે સુદામો: હું માંગું, દેવ મુરારિ!
સદા તમારાં ચરણ વિશે રહેજો મનસા મારી'...

મથુરામાંથી શ્રી કૃષ્ણ પધાર્યા, પુરી દ્વારિકા વાસી
સુદામે ગૃહસ્થાશ્રમ માંડ્યો, મન તેહનું સંન્યાસી...

પતિવ્રતા પત્ની વ્રતપાવન, પરમેશ્વર કરી પ્રીતે
સ્વામીસેવાનું સુખ વાંછે, માયાસુખ નવ ઈચ્છે...

દશ બાળક થયાં સુદામાને દુ:ખ-દારિદ્ર ભરિયાં
શીતળાએ અમી-છાંટા નાંખી થોડે અન્ને ઊછરિયાં...

અજાચક-વ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓડે
આવી મળે તો અશન કરે, નહિ તો ભૂખ્યા પોઢે...

વલણ
પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઈચ્છે ઘરસૂત્રનું
ઋષિ પત્નિ ભિક્ષા કરી લાવે, પૂરું પાડે પતિ ને પુત્રનું.

આ પણ જૂઓ ફેરફાર કરો