← કડવું ૪ કડવું ૫
સુદામા ચરિત
પ્રેમાનંદ
કડવું ૬ →
રાગ: સામગ્રી


<poem>

કહે શુક જોગી: સાંભળો, રાયજી! ફરી ફરી પ્રેમદા લાગે પાય જી; વિપ્ર સુદામો આપ વિચારે જી; 'નિશ્ચે જાવું પડશે મારે જી.'

ઢાળ

જાવું પડે મુજને સર્વથા, ઘણું રુએ અબળા રાંક; અન્ન વિના બાળક ટળવળે તો વામાનો શો વાંક?

પત્ની પ્રત્યે સુદામો: 'તમો જિત્યાં, હાર્યો હુંય; કહો, ભામિની! ભગવંતને જઈ ભેટ મેલું શુંય?

કાકા કહીને નિકટ આવે કૃષ્ણ-સુત-સમુદાય; તે ખાવું માગે, મુને વજ લાગે, હું મૂકું શું કરમાંય?

સુણી હરખ પામી પ્રેમદા, ગઈ પડોશણની પાસ; 'બાઈ! આજ કામ કરો મારું, હું વણમૂલે લીધી દાસ.

દ્વારામતી મમ પતિ પધારે જાચવા જદુરાય; અમો દુગણું કરીને વાળશું, કાંઈ ઉછીનું આપો, માય!'

તે પડોશણને દયા થઈ, જે દુર્બલ આવી માગવા; સૂપડું ભરીને આપિયા ઋષિપત્નીને ત્યાં કાંગવા.

ઓખણા માંહે ઘણું ઓખની, માંહેથી કાઢ્યાં બીજ; તગતગતા તાંદુલ દેખીને ઋષિ પામ્યા મન રીઝ.

ઉપરાઉપરી બંધન કીધાં, ચીથરાં દસ-વીસ; રત્નની પેરે જતન કીધું, જેમ છોડતાં ચઢે રીસ.

ઋષિ સુદામાને કહ્યું બાલકે, ફરી ફરી જુએ મુખ; 'પિતાજી એવું લાવજો જેમ જાય અમારી ભૂખ.'

એવાં દીન વાયક સાંભળી મુનિએ મૂક્યો નિશ્વાસ; સુદામો કહે પુત્રને 'પરિબ્રહ્મ પૂરશે આશ.'

ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર; ત્યાગી વૈરાગી વિપ્રને છે ભક્તનો શણગાર.

ભાલ તિલક ને માલા કંઠે, 'રામ' ભનતો જાય; મૂછ-કૂછની જાળ વાધી, કદરૂપ દીસે કાય.

પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ; થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટેગોટ.

ઉપાન-રેણુએ આભ છાયો, શું સૈન્ય મોટું જાય! જે પથિક મારગમાં મળે તે વિસ્મે થાય.

કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન; ભાગ્ય-ભાનુ ઉદે થયો, કરશે કૃષ્ણજી આપ-સમાન.

વલણ આપ-સમાન કરશે કૃષ્ણજી, શુકજી કહે: સુણ, નરપતિ! થોડે સમેમાં ઋષિ સુદામો આવ્યા પુરી દ્વારામતી.

આ પણ જૂઓ ફેરફાર કરો